Gujarat Rain : ગુજરાતમાં અત્યારે ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. ગામ બેટમાં ફેરવાયા છે. શહેરોમાં સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. લોકોની ઘરવખરીને નુકશાન પહોંચ્યું છે. આ બધા વચ્ચે હવે તંત્ર અને સરકારની કામગીરીની પણ પોળ ખુલી ગઈ છે. બે જિલ્લાઓને જોડતા હાઇવે હોય કે પછી બ્રિજ હોય કે ગામ-શહેરના રસ્તાઓ હોય, દરેકનું મોટા પાયે ધોવાણ થયું છે. આમ તો ધોવાણ રસ્તાઓનું નહિ પરંતુ જનતાના પૈસાનું થયું છે. ત્યારે આ સમગ્ર મામલે તંત્ર પર પ્રહાર કરતા ભાજપના જ એક નેતાનું ટ્વીટ સામે આવ્યું છે. ડો.ભરત કાનાબારે આજે આકરા શબ્દોમાં તંત્રની કામગીરીની ટીકા કરી છે.
અમરેલીમાં પણ વરસાદના કારણે ડેમો ઓવરફ્લો થયા છે. ઘણી જગ્યાએ રસ્તા તૂટી ગયા છે. ત્યારે તંત્રની આ નબળી કામગીરીને લઈને અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારે ટ્વીટ કર્યું છે. અને તંત્રને આડેહાથ લીધા છે અને આકરી ઝાટકણી કાઢી છે.
ભાજપ નેતા ભરત કાનાબારે ટ્વીટમાં શું કહ્યું ?
ડો.ભરત કાનાબારે ટ્વીટમાં લખ્યું છે કે, નવા બનેલા રસ્તાઓ પર ટૂંકા સમયમાં ખાડા અને ભુવા પડે છે ત્યારે માત્ર રસ્તાઓ જ નથી તૂટતાં, લોકોનો તંત્ર પરનો ભરોસો તૂટે છે. નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટરને દંડ થાય એ તો સમજ્યા પણ આવા કામ પર જેમની સુપરવિઝન કરવાની જવાબદારી છે એવા મસમોટા પગાર લેતા એન્જીનિયરો અને અન્ય કર્મચારીઓને કેમ કોઇ દંડ થતો નથી. તેમણે વેધક સવાલ કર્યો છે કે એમને સરકાર પગાર શેનો આપે છે.
આવા રસ્તા પર હડદોલા ખાતા ખાતા પસાર થતો આમ આદમી ખાલી મનમાં બબડતો રહેશે તો ક્યારેય તેની હાડમારીનો અંત આવશે નહીં, તેણે તો જ્યાં જ્યાં નબળું કામ થતું હોય ત્યાં ત્યાં તેની સામે નીડરતાથી અવાજ ઉઠાવવો પડશે..આપ મુઆ સ્વર્ગમાં ના જવાય…તેમ પોતાના હકોની લડાઇ તો લોકોએ જાતે જ લડવી પડશે….
ડો. ભરત કાનાબારનું આ ટ્વીટ નઘરોળ અને ભ્રષ્ટ સરકારી તંત્ર પર ચાબખા સમાન છે. આજે ભારે વરસાદથી ગુજરાતની સ્થિતી ખરાબ છે. અનેક જગ્યાએ સામાન્ય વરસાદમાં પણ રસ્તા તૂટ્યા છે. પાણીનો યોગ્ય નિકાલ ના થવાના કારણે રસ્તાઓ જળબંબાકાર છે, પુલો તુટ્યા છે અને સામાન્ય માણસ ઘરમાં બેસી લાચાર બનીને માત્ર મૂક પ્રેક્ષક બની રહ્યો છે.
ત્યારે હવે જોવાનું રહ્યું કે ખુદ ભાજપ નેતા જ રસ્તાઓના ધોવાણ અને તંત્રની નબળી કામગીરીને લઈને ખુબ પરેશાન થઇ ગયા છે. ત્યારે હવે આ ભાજપ નેતાના ટ્વીટ બાદ તો સરકારને ભાન થવું જોઈએ કે તમારા ભ્રષ્ટાચારી અધિકારીઓને કારણે આજે પ્રજાને ભોગવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે જોવાનું રહ્યું કે ભાજપ નેતાના આ ટ્વીટ બાદ તંત્રની નબળી કામગીરી સામે કંઈ એક્શન લેવામાં આવશે ખરું ?
આ પણ વાંચો : Kolkata Death Case : IMAનો મોટો નિર્ણય, RG કર મેડિકલ કોલેજના પૂર્વ આચાર્ય સંદીપ ઘોષનું સભ્યપદ સસ્પેન્ડ