Gujarat Rain Alert : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી વચ્ચે અચાનક હવામાનમાં ફેરફાર નોંધાયો છે. મંગળવારે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડતા તાપમાનમાં ઘટાડો થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ જેવી બે હવામાન પ્રણાલીઓ સક્રિય થતા વાતાવરણમાં આ બદલાવ આવ્યો છે. ભેજવાળા પવનના પ્રવાહને કારણે વાદળછાયું વાતાવરણ સર્જાઈ રહ્યું છે.
આજના દિવસની આગાહી
બુધવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, જેના કારણે લોકોને ગરમીમાં આંશિક રાહત મળી છે. હવામાન વિભાગે આજે કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે હળવો કે મધ્યમ વરસાદ વરસી શકે છે. અન્ય વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે સુકું રહેવાની શક્યતા છે.
અમદાવાદનું હવામાન
અમદાવાદ શહેરમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ ગરમીમાં મોટો ઘટાડો જોવા મળશે નહીં. હવામાન વિભાગના અંદાજ મુજબ સાતમી મેના સવારે 8:30 વાગ્યા સુધી અમદાવાદમાં તાપમાન લગભગ 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. એટલે કે વાદળછાયા છતાં ગરમીનો અંશ યથાવત્ રહેશે. શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વાદળો જોવા મળી શકે છે.
આગામી ત્રણ દિવસની સ્થિતિ
હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. એટલે હાલ જે પરિસ્થિતિ છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક હળવો વરસાદ તે યથાવત્ રહેવાની શક્યતા છે. તાપમાનમાં પણ ખાસ ફેરફાર નહીં જોવા મળે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉકળાટ વધશે
9મી મે થી 12મી મે દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ભેજનું પ્રમાણ વધશે અને ઉકળાટમાં વધારો થશે. આ સમયગાળામાં લોકોને વધારે ગરમીનો અનુભવ થઈ શકે છે, ખાસ કરીને દરિયા નજીકના વિસ્તારોમાં.
સાત દિવસનો ટ્રેન્ડ અને તાપમાન
આગામી સાત દિવસમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે સુકું રહેવાની શક્યતા છે. જોકે કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગે એ પણ જણાવ્યું છે કે આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાઈ શકે છે.
આ પણ વાંચો : Bihar ના રાજકારણમાંથી મોટા સમાચાર; નીતિશ કુમારના પુત્ર નિશાંત પણ મંત્રી બનશે, કાલે શપથ લેશે