Gujarat Rain Alert : ગુજરાતમાં કેટલાક દિવસોથી હવામાન ચોખ્ખું રહ્યું હતું, પરંતુ રાજ્યના અનેક જિલ્લાઓમાં ફરી એકવાર વરસાદી માહોલ શરૂ થયો છે. છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
વરસાદ લાવનારી ત્રણ સિસ્ટમ સક્રિય
છેલ્લા ઘણા દિવસોથી વિશ્રામ કરી રહેલ મેઘરાજાએ છેલ્લા બે દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
- હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. આ કારણોસર આગામી સાત દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
- વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધીને ગુજરાત ઉપરથી પસાર થશે અને ત્યારબાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે.
- હાલમાં આ વરસાદી સિસ્ટમ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના વિસ્તારો પર છે. આ સિસ્ટમ હવે ત્યાંથી આગળ વધશે અને ટૂંક સમયમાં ગુજરાત પહોંચશે. પહેલા સિસ્ટમ મધ્ય ભારતમાં પહોંચશે અને ત્યાં ભારે વરસાદ પડશે. તે ગુજરાત ઉપર આવ્યા બાદ ભારે વરસાદ પડશે અને પછી તે અરબી સમુદ્ર તરફ આગળ વધશે.
40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દિવસોમાં દરિયાઈ વિસ્તારોમાં પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેશે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આ સિઝનમાં 73.75 ટકા વરસાદ નોંધાયો છે. જે સિઝનના સરેરાશ વરસાદ કરતાં 2 ટકા વધુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 88.97 ટકા, દક્ષિણ ગુજરાતમાં 88.38 ટકા, સૌરાષ્ટ્રમાં 81.40 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 57.90 ટકા અને ઉત્તર ગુજરાતમાં 54.78 ટકા વરસાદ નોંધાયો છે.
આ જિલ્લાઓમાં 27 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ
આ સાથે જ 24 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 ઓગસ્ટે ગુજરાતના દાહોદ, મહિસાગર, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં 26 અને 27 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
આ પણ વાંચો : Badlapur Incident ના વિરોધમાં શરદ પવાર ધરણા પર બેઠા…હાથ પર કાળી પટ્ટી, મોં પર કાળો માસ્ક