Gujarat Politics : ગઈ કાલે ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) ભાજપ સરકાર ( BJP government) પર અબજો રુપિયાના ભષ્ટાચારના (corruption) આરોપો લગાવ્યા હતા.સેચ્યુરેટેડ ઝોનના નામે ભાજપ સરકાર દ્વારા કુલ 12.20 અબજ કરોડનો ભ્રષ્ટાચાર કરવામા આવ્યો હોવાનો ખુલાસો કર્યો હતો. ત્યારે શક્તિસિંહ ગોહીલે કરેલા આક્ષેપો અંગે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી છે. શક્તિસિંહ ગોહીલે કરેલા આક્ષેપોને ઋષિકેશ પટેલે ફગાવી દીધા હતા અને કહ્યુ હતું કે, કોઈ ભ્રષ્ટાચાર થયો નથી આ સાથે તેમને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
શક્તિસિંહે કરેલા આક્ષેપો અંગે ઋષિકેશ પટેલે શું કહ્યું ?
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલે કરેલા આક્ષેપોને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સત્યથી વેગળા અને પાયા વિનાના તથા લોકોને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા હતા તેમણે કહ્યુ કે, ગુજરાતના વૈશ્વિક ઔદ્યૌગિક વિકાસમાં જી.આઈ.ડી.સી. મહત્વનું યોગદાન આપી રહી છે.સમગ્ર રાજ્યમાં અંદાજે 239 જેટલા ઔદ્યોગિક વસાહતોમાં 70,000થી વધુ ઔદ્યોગિક એકમોની ફાળવણી કરવામાં આવી છે. જેના મારફતે ઘરેલું ઉત્પાદન, નિકાસ, રોજગારી, સંશોધન જેવા અનેક હેતુઓ પૂરા થાય છે અને તેના મારફતે રાજય તેમજ રાષ્ટ્રની આર્થિક ગતિવિધિઓને પણ વેગ મળે છે. જી.આઈ.ડી.સી. સરકાર પાસેથી કે સંપાદન દ્વારા જરૂરી જમીન મેળવી માળખાકીય સુવિધાઓ ઊભી કરીને નહીં નફો, નહીં નુકસાનના ધોરણે ઉદ્યોગકારોને પોષણક્ષણભાવે જમીન આપે છે. જી.આઈ.ડી.સી. નફાના હેતુ માટે સ્થપાયેલી સંસ્થા નથી. તેથી તેની સરખામણી પ્રાઈવેટ પાર્ક કે ડેવલપર્સ સાથે કરી શકાય નહીં.
ઋષિકેશ પટેલે કોંગ્રેસના આક્ષેપોને ફગાવ્યા
વધુમાં તેમણે કહ્યું કે, જીઆઇડીસી દ્વારા કોઈ પણ ઔદ્યોગિક વસાહતમાં 90% કે તેથી વધુ પ્લોટોની ફાળવણી ધ્યાને લઇ સંપૂર્ણ વસાહતને સેચ્યુરેટેડ વસાહત જાહેર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 161 વસાહતો સેચ્યુરેટેડ જાહેર કરવામાં આવેલ છે. સમગ્ર વસાહતના (ના કે વસાહતના કોઈ અમુક ઝોનના) ઉપલબ્ધ પ્લોટ આધારે જ સમગ્ર વસાહતને એક યુનિટ તરીકે ગણીને જ સેચ્યુરેટેડ વસાહત તરીકે નિયત કરવામાં આવે છે.દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતોમાં કેમિકલ તેમ જ એન્જિનિયરિંગ ઝોન આવેલા છે. સદર ઔદ્યોગિક વસાહતોના કેમિકલ ઝોનમાં 90ટકા જેટલા પ્લોટો વેચાયા હોવાથી, જી.આઈ.ડી.સી. દ્વારા નિયામક મંડળની 518મી સભામાં ફક્ત આ કેમિકલ ઝોનને સેચ્યુરેટેડ ઝોન જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ વિવિધ ઔદ્યોગિક સંગઠનો, ઉદ્યોગકારો તરફથી રજૂઆતો મળી કે સમગ્ર વસાહતના90 ટકા પ્લોટ વેચાયા હોય તો જ તેને સેચ્યુરેટેડ જાહેર કરી શકાય છે. જી.આઈ.ડી.સી.એ પણ આ સંદર્ભમાં તેની પ્રણાલીને આધીન રહીને 519મી બોર્ડ બેઠકમાં સાયખા અને દહેજના સમગ્ર ઔદ્યોગિક વસાહતના 902 ટકા સુધીના પ્લોટોની ફાળવણી થયેલ ન હોય, સમગ્ર સાયખા અને દહેજ ઔદ્યોગિક વસાહતને અનસેચ્યુરેટેડ જાહેર કરી. ત્યારબાદ આજ સુધી સાયખામાં કોઈ ઉદ્યોગોને જમીનની ફાળવણી કરવામાં આવી નથી. અને તેથી સાયખામાં જમીન ફાળવીને સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન કરવાનો જે આક્ષેપ થયો છે તે તદ્દન પાયાવિહોણો અને કાલ્પનિક છે.
કોંગ્રેસ પર કર્યા પ્રહાર
તેમણે સ્પષ્ટપણે કહ્યું કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને એ વાતનો ખયાલ જ હશે કે તેમની કોંગ્રેસ સરકારના સમય ગાળામાં હરાજી વગર જ માત્ર નક્કી થયેલ ફાળવણી દરે ફાળવણી કરવામાં આવતી હતી. પરંતુ ભાજપ સરકાર આવ્યા પછી સેચ્યુરેટેડ એસ્ટેટમાં જાહેર હરાજીથી પ્લોટોની ફાળવણી કરવાની પ્રણાલી શરૂ થઈ છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના આક્ષેપોને પાયા વિનાનો ગણાવતા ઉમેર્યું છે કે, જૂની મંગાવેલ અરજીઓ પૈકી એકપણ અરજદારને આજદિન સુધી પ્લોટ ફાળવવામાં આવ્યો નથી એટલે વાટાઘાટાનો કોઇ પ્રશ્ન જ ઉદ્દભવતો નથી. સાયખા ખાતે એપ્રિલ 2023 થી આજ સુધી કોઈ પ્લોટ ફાળવણી કરવામાં આવેલ નથી, તેથી સરકારને નાણાંકીય નુકશાન પહોચાડ્યું હોવાની રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરેલી વાત તદ્દન ખોટી અને ઉપજાવી કાઢેલી તથા માત્ર ને માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટેનાં હવાતિયાં સમાન છે.
આ પણ વાંચો : જેણે મત નથી આપ્યા તેમના કામ કરવાની જરુર નથી, જ્યાંથી મત મળે ત્યાં જ કામ કરો: Vijay shah