Gujarat politics: રાજકારણમાં (Politics) નેતાઓ અવાર નવાર એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા હોય છે, સોશિયલ મીડિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ વિરોધી પક્ષનું ખરાબ દેખાતું હોય એટલે આક્ષેપ કરવા તે નેતાઓની આદત હોય છે ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી (Vijay Rupani) પર પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પુરાવા વગર જમીન કૌભાંડના આક્ષેપ કર્યા હતા. ત્યારે આ આક્ષેપ લાગતા વિજય રુપાણીએ આ નેતાઓ પર બદનક્ષીનો કેસ કર્યો હતો. જેમાં પ્રવીણ પરમાર, સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સી.જે. ચાવડાએ વિજય રુપાણી પર ખોટા આક્ષેપ કર્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારે ગત રોજ આ કોંગ્રેસી નેતાઓએ વિજય રૂપાણીની માફી માંગી હતી અને વિજય રુપાણીએ પણ તેઓને માફ કરી દેતા તેમણે આ કેસ પાછો ખેંચીને મામલો પુરો કર્યો હતો.
વિજય રૂપાણી પર પુરાવા વગર આક્ષેપ કરનારા કોંગી નેતાઓને માફી માગવી પડી
મળતી માહિતી મુજબ વર્ષ 2022 માં કોંગ્રેસના વિપક્ષી કાર્યાલયમાંથી એકપત્રકાર પરિષદ કરીને વિજય રૂપાણી ૫૦૦ કરોડથી વધુના જમીન કૌભાંડમાં સામેલ હોવાનો આક્ષેપ કર્યો હતો.કોંગ્રેસના તે સમયના વિપક્ષી કાર્યાલયના અંગત મદદનીશ પ્રવીણ પરમાર, સુખરામરાઠવા ઉપરાંત શૈલેષ પરમાર,એ સમયે કોંગ્રેસમાં અને હાલ ભાજપમાં ભળી ગયેલા ધારાસભ્ય સી.જે.ચાવડાએ આ આક્ષેપ કર્યા હતા. જે બાદ વિજય રુપાણીએ કોંગ્રેસ નેતાઓ પર બદનક્ષીની ફરિયાદ કરી હતી.જેમાં કોંગ્રેસ દ્વારા કોઈ પણ આધાર-પૂરાવા વગર ખોટા આક્ષેપો કરીને તેમને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ ઘટનાને બે વર્ષ વીતી ગયા બાદ હવે કોંગ્રેસ દ્વારા આ આક્ષેપ પૂરાવા વગર જ લગાવવામાં આવ્યા હતા તેમ કહી પોતાની ભૂલ સ્વીકારીને વિજય રૂપાણીની કોર્ટ સમક્ષમાફી માંગી હતી. ત્યારે વિજય રૂપાણીએ આ માફી સ્વીકારી લેતાં કોર્ટે આ મુદ્દો ગ્રાહ્ય રાખી કેસ ડિસ્ચાર્જ કર્યો હતો.
કોર્ટમાં માફી માંગ્યા બાદ સુખરામ રાઠવાનું નિવેદન
કોર્ટમાં માફી માંગ્યા બાદ સુખરામ રાઠવાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં સુખરામ રાઠવાએ વર્ષ 2022માં રાજકોટ તરફના કેટલાક દૈનિક પત્રોમાં વિજય રૂપાણી સામે આક્ષેપો કરતા સમાચાર પ્રસિદ્ધ થયા હતા તેને ધ્યાનમાં રાખીને આ એક વિરોધ પક્ષના નેતા તરીકે આ સમાચારની ખરાઈ કર્યા વગર જ આક્ષેપ કર્યા હતા અને તેઓએ આ ભૂલ સમજાતા વિજય રુપાણીને મળીને માફી માંગી હોવાનું જણાવ્યું હતું.
કોંગ્રેસી નેતાઓને માફ કરતા વિજય રુપાણીએ શું કહ્યું ?
વિજય રૂપાણીએ કહ્યું કે, કોર્ટમાં જજની સમક્ષ એફિડેવિટ કરીને લેખિતમાં તેમણે માફી માગી છે. એટલે ત્યાં આ વિષય પુરો થતો હોવાથી મે કેસ પાછો ખેંચ્યો છે. સુખરામ રાઠવા અને સી.જે ચાવડા વિશે કહ્યુ કે,સુખરામ રાઠવા અને સી.જે ચાવડા બીજેપીમાં આવ્યા એ વસ્તુ ગૌણ છે જે કોઈ નેતા પર આક્ષેપ થતો હોય તો તેને જનતાની વચ્ચે તે વાતનો ખુલાસો કરવો જોઈએ. તેના માટે લડત લડવી જોઈએ નહીંતર લોકો માને કે તમે ભ્રષ્ટાચાર કર્યો છે. એટલા માટે રાજનીતિમાં કોઈ ઢંગ ઘડા વિનાના આક્ષેપ કરે અને રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન કરે તે ના ચાલે. તે હેતુંથી મે બદનક્ષીનો દાવો કર્યો હતો જે પછી સીજે ચાવડા અને સુખરામ રાઠવાના દીકરા ભાજપમાં આવ્યા પરંતુ તે વસ્તુ ગૌણ છે. 5 વર્ષ ઈમાનદારીથી કામ કર્યું છે એટલા માટે મેં કેસ કર્યો હતો. કમનસીબે રાજનેતાઓના આક્ષેપ અંગે બદનક્ષીના દાવા ઓછા થાય છે. ગુજરાતમાં ઘણા વખત પછી દાવો થયો અને કોંગ્રેસના નેતાઓએ માફી માગી છે ત્યારે હુ માનું છુ કે, સત્યનો વિજય થયો છે.
આ પણ વાંચો : Iran-Israel War: હુમલા બાદ ઈઝરાયેલના પીએમની ધમકી , ઈરાને મોટી ભૂલ કરી તેની કિંમત ચૂકવવી પડશે