Gujarat Police Recruitment : ગુજરાતમાં પોલીસ ભરતીને લઇ સરકારની મોટી જાહેરાત, 2025માં 14,820 જગ્યાઓ પર કરવામાં આવશે ભરતી

September 27, 2024

Gujarat Police Recruitment : ગુજરાતમાં લાખો યુવાનો રોજ પોલીસ ભરતીની રાહ જોતા હોય છે. જેને લઈને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક યુવાઓ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી વર્ષ 2025માં ગૃહ વિભાગ દ્વારા મોટાપાયે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે 2025માં કેટલી ભરતી થવાની છે.

2025માં મોટાપાયે ભરતીની ગૃહમંત્રીની જાહેરાત

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ, વર્ગ-૩ના વિવિધ સંવર્ગોની કુલ 12,472 જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગૃહ વિભાગ વર્ષ 2025માં રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ વિભાગોની આ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે. આગામી વર્ષ-2025માં ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની કુલ 14,820 જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે.

અન્ય વર્ગ 3ની વિવિધ સંવર્ગની ભરતીનું આયોજન

વર્ષ 2025માં ગૃહ વિભાગ દ્વારા જે જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તેમાં 129 SRPF ના હથિયારી PSI, 126 વાયરલેસ PSI, 35 MTPSI, 551 ટેકનીકલ ઓપરેટર, 45 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ-1, 26 મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર, ગ્રેડ-2, 135 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકિનિક ગ્રેડ-2, 7218 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3010 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3214 SRPFના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 300 જેલ સિપાઈ(પુરુષ) અને 31 જેલ સિપાઈ(મહિલા) સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત વર્ષ-2025માં પોલીસ ખાતાની કચેરીઓની સિનિયર ક્લાર્કની 45 તથા જુનિયર ક્લાર્કની 200 જગ્યાઓ મળી કુલ-245 જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી હાથ ધરવામાં આવશે. ત્યારે જોવાનું રહ્યું કે અત્યારે જેટલી ભારતીઓ બાકી છે તે સમયસર પૂરી થાય છે કે પછી આમ જ ઉમેદવારો હેરાન થતા રહેશે અને સરકાર લોલીપોપ આપતી રહેશે.

 

Read More

Trending Video