Gujarat Mid Day Meal : ગુજરાતમાં સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીને મધ્યાહ્ન ભોજન આપવામાં આવે છે. આ યોજના હેઠળ 43 લાખ બાળકોને સવારનો નાસ્તો અને બપોરનું ભોજન આપવામાં આવતું હતું. પરંતુ ગઈકાલે અચાનક સરકારે એવો નિર્ણય કર્યો કે હવેથી શાળામાં મધ્યાહ્ન ભોજનમાં નાસ્તો આપવામાં આવશે નહિ. માત્ર બપોરનું ભોજન આપવામાં આવશે. પરંતુ આ એક નિર્ણયથી વિદ્યાર્થીની સંખ્યા ઘટવાની શક્યતા છે. ત્યારે સરકાર હવે આ મામલે યુ-ટર્ન લે તેવી શક્યતા છે. એટલે કે આ મામલે સરકાર નાસ્તો બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચે તેવા એંધાણ છે. આ સાથે જ આજે એક પરિપત્ર બહાર આવ્યો છે અને તેમાં મેનુમાં ફેરફાર કરવા માટે વિચારણા કરવામાં આવશે તેવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
સરકારનો એક વખત જ ભોજન આપવાનો નિર્ણય કેમ ?
ગુજરાતમાં સરકાર મધ્યાહ્ન ભોજનમાં હવે જયારે નાસ્તો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે સરકારનું આ મામલે કહેવું છે કે અમે બાળકોને વધારે સારું પોષણયુક્ત આહાર આપી શકીએ તેના માટે આ નિર્ણય લેવાયો છે. સુપોષિત ગુજરાત મિશન હેઠળ શાકભાજી તથા અન્ય કેલરીયુક્ત ખોરાકના પૈસા વધારે છે. સાથે જ આદિવાસી વિસ્તારના 11.50 લાખ બાળકોને સવારે દૂધ પણ આપવામાં આવે છે. બાળકો એક ટાઇમ વધારે સારું જમી શકે, સંચાલકો તથા હેલ્પરનાં કામના કલાકો પણ જળવાઈ શકે એ માટે આ નિર્ણય લેવાયો છે.
સરકારનો પુન: વિચારણા કરવાનો નિર્ણય
ગુજરાતમાં મધ્યાહ્ન ભોજન યોજના 1984થી ચાલતી આવે છે. આ યોજના હેઠળ બાળકોને પોષણયુક્ત આહાર શાળામાં જ મળી રહે તેવા હેતુથી આ નિર્ણય કરાયો હતો. આ યોજનામાં રાજ્ય સરકાર 25 ટકા અને કેન્દ્ર સરકાર 75 ટકા જેવી રકમ આપે છે. ત્યારે હવે અચાનક એક સમયનો નાસ્તો બંધ કરવામાં આવતા શાળામાં વિદ્યાર્થીઓનો રેશિયો ઘટવાની સંભાવના છે. સાથે જ હવે ભોજનમાં આપવામાં આવતા મેનુ પર પણ ફરી વિચારણા કરવામાં આવે છે. જેના કારણે આજે આ નિર્ણય પર ફરી વિચારણા કરવા નિર્ણય કર્યો અને એક પરિપત્ર પણ બહાર પડ્યો છે.
ગુજરાતમાં લાખો બાળકો આ મધ્યાહ્ન ભોજન મેળવી રહ્યા છે. હવે તમે નાસ્તો તો બંધ કરી દીધો છે. પરંતુ ધ્યાન રાખજો કે બાળકોને પોષણયુક્ત ભોજન તો કમસેકમ મળી રહે. કારણ કે પોષણયુક્ત ભોજનની વાત તો દૂરની રહી પરંતુ માત્ર ભોજન પણ આપી દો તો બાળકો માટે સારું છે.