Gujarat Heavy Rain : સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ, વહેલી સવારથી જ જામનગર, દ્વારકા સહીત અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટીંગ

July 1, 2024

Gujarat Heavy Rain : દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. હાલમાં જ ચોમાસા (Monsoon)ની શરૂઆત થઈ છે અને તેણે તેનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારે મુશળધાર વરસાદ પડ્યો હતો. જૂનાગઢ (Junagadh)ના માણાવદરમાં મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો હતો જેમાં છેલ્લા 12 કલાકમાં 8.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં સુરત (Surat)ના પલસાણામાં 8.5 ઈંચ, મહુવામાં 7 ઈંચ, વંથલી, જૂનાગઢમાં 5.5 ઈંચ, દ્વારકા (Dwarka) અને બારડોલી (Bardoli)માં 6 ઈંચ, કુતિયાણા અને ઓલપાડમાં 6 ઈંચ વરસાદ (Gujarat Heavy Rain) નોંધાયો છે.

જામનગરમાં જામ્યો વરસાદી માહોલ

જામનગરમાં વહેલી સવારથી જ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. જામનગરના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ ધોધમાર વરસાદ શરુ થયો હતો. અચાનક વરસાદના આગમનથી જામનગરવાસીઓને ગરમી અને બફારાથી રાહત મળી હતી. મેઘરાજાના આગમનથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જે બાદ જામનગર મહાનગરપાલિકાની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલ્લી ગઈ હતી. જામનગરના કાલાવડમાં બે કલાકમાં ત્રણ ઇંચ, જામ જોધપુરમાં એક ઇંચ અને લાલપુરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

Gujarat Heavy Rain

દ્વારકામાં મેઘરાજા થયા મહેરબાન

દ્વારકામાં મેઘરાજાએ તોફાની બેટીંગ શરુ કરી હતી. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં બે કલાકમાં સવા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાવલ ગામે સતત વરસી રહેલા વરસાદથી સમગ્ર ગામ પાણી પાણી થઇ ગયું હતું. વહેલી સવારે 4 વાગ્યાથી શરુ થયેલ વરસાદ હજુ પણ ચાલુ છે. શાળાના ગ્રાઉન્ડ, રોડ રસ્તાઓ સહિત મુખ્ય બજારો પર પાણી ફરી વળ્યુ હતું. જર્જરિત એવા સાની ડેમમા પણ પાણીની ભરપૂર આવકને લઈ નીચાણવાળા વિસ્તારોને પાલિકાએ સતેજ કર્યા છે.

અમરેલીમાં મેઘાવી માહોલ

અમરેલીના વડીયા પંથકમાં રાત્રે વરસાદ શરુ થયો હતો. વડીયાના ગામડાઓમાં ધોધમાર વરસાદ હજુ પણ પડી રહ્યો છે. વડીયાના અરજણ સુખ, તોરી, રામપૂર, દેવળકી, અનીડા, ખાન ખીજડીયા, હનુમાન ખીજડીયા, મોરવાડા ગામે 2 થી 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. વડિયાના સુરવો ડેમમાં 1 ફૂટ નવા નીરની આવક પણ થઇ છે. સાકરોળી ડેમમાં 10 ફૂટ નવા નીરની આવક થઇ છે.

અમરેલી જિલ્લામા સતત મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ નોંધાયો છે. બાબરા પંથકમાં ઘોઘમાર વરસાદ ખાબકયો છે. બાબરાના ભીલા, ભીલડીમા ઘોઘમાર વરસાદ પડ્યો હતો. સારા વરસાદને કારણે ભીલડી ગામનો ચેક ડેમ છલકાયો છે. ઉપરવાસના ગામડાઓમાં ભારે વરસાદ થતાં નદીમાં પુર આવ્યું હતું.

અમરેલી જિલ્લાના મોટા ભાગના તાલુકામા છુટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે જાફરાબાદ પંથકમાં મોડી રાત્રે સારા વરસાદ બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો હતો. જાફરાબાદ શહેરમાં ઘોઘમાર વરસાદ શરૂ થયો હતો. જાફરાબાદના લોર, ફાચરીયા, પીંછડી, હેમાળ, છેલણા, એભલવડ, ટીંબી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. જાફરાબાદ શહેરમાં ઘોઘમાર વરસાદથી રોડ રસ્તાઓ થયા પાણી પાણી. કોસ્ટલ બેલ્ટમાં સારા વરસાદને કારણે ઘરતી પુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોTeam India : T20 WC ટ્રોફી સાથે બાર્બાડોસમાં ફસાયેલી ટીમ ઈન્ડિયા, ચક્રવાતી તોફાનને કારણે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ હોટલમાં બંધ

Read More