ખેડૂતો આનંદો ! રાજ્ય સરકાર આ તારીખથી ખરીફ પાકોની ટેકાના ભાવે કરશે ખરીદી

કૃષિ મંત્રીએ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી હતી.

September 24, 2023

રાજ્યના ખેડૂતો માટે ખુબ સારા સમાચાર સામે આવ્યા છે. આજે ગાંધીનગર ખાતે કૃષિ મંત્રીના અધ્યક્ષસ્થાને ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં કૃષિ મંત્રીએ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી હતી.

આ તારીખથી ખરીદી શરુ થશે

કૃષિમંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતુ કે ગુજરાતમાં 21મી ઑક્ટોબરથી ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. અને 25 સપ્ટેમ્બરથી 16 ઑક્ટોબર સુધી ખેડૂતો ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવી શકશે.

આટલી ખરીદી કરાશે

રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. 6364 કરોડની કિંમતની 9.98 લાખ મે. ટન મગફળી અને રૂ.420 કરોડની 91,343 મે. ટન સોયાબીનની ખરીદી કરાશે.

ટેકાના ભાવે ખરીદી માટે યોજાઈ હતી બેઠક

ઉલ્લેખનીય છે કે ગત 22 સપ્ટેમ્બરના રોજ કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી, જેમાં મંત્રીએ જણાવ્યું હતુ કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Read More

Trending Video