Gujarat Flood : ગુજરાતમાં આકાશી આફતથી ત્રાહિમામ, CM ભુપેન્દ્ર પટેલે રાજ્યના પૂરની પરિસ્થિતિને લઈને કરી સમીક્ષા બેઠક

August 28, 2024

Gujarat Flood : ગુજરાતમાં હાલ પૂરની પરિસ્થી જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સૌરાષ્ટ્રમાં તો આભ ફાટ્યું છે. અને અવિરત વરસાદ ચાલુ છે. જેના પગલે રોડ રસ્તાઓનું ધોવાણ થઇ ગયું છે. લોકો ફસાઈ ગયા છે. સાથે જ રાજ્યમાં ટ્રેનના રૂટ પણ બદલવામાં આવ્યા છે. આ પૂરની પરિસ્થિતિની અત્યારે સમીક્ષા બેઠક CM ભુપેન્દ્ર પટેલ દ્વારા યોજવામાં આવી હતી. રાજ્યમાં પૂર પ્રભાવિત વિસ્તારો સુધી મદદ પહોંચાડવા તાકીદ પણ કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી વીડિયો કોન્ફરન્સ યોજીને વરસાદ પ્રભાવિત વિસ્તારોની બચાવ-રાહત કામગીરી તથા વરસાદી પાણીની સ્થિતિની સમીક્ષા હાથ ધરી હતી. ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લો, દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લાઓમાં પાણીમાં ફસાયેલા લોકો માટે રાહત કામગીરીને અગ્રિમતા આપવા તાકીદ કરી હતી. સાથે જ વડોદરામાં બચાવ-રાહત કામગીરીને લઇ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ પૂરની તથા લોકોના ઘરોમાં પાણી ભરાવાના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ વિશે મુખ્યમંત્રીને માહિતી આપી હતી.

CM ભુપેન્દ્ર પટેલે આ મામલે કહ્યું કે, પૂરમાં જે લોકો ફસાયેલા છે તેમને પાણી ઓસરતા સુધી ફૂડ પેકેટ, પીવાના પાણીના પાઉચ તેમજ આરોગ્યરક્ષક દવાઓ પહોંચાડવાની વ્યવસ્થા રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. એટલું જ નહિ, અસરગ્રસ્ત જિલ્લાઓમાં જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે તેને પણ ત્વરાએ પૂર્વવત કરવામાં આવી રહ્યો છે. પાણી ઓસરે એટલે તુરંત જ કાંપ, માટી, પાણી સાથે ઢસડાઈને આવેલા ઝાડી-ઝાંખરા, પાન વગેરે દૂર કરવા યુદ્ધના ધોરણે કામગીરી રાજ્ય સરકાર ઉપાડશે. જંતુનાશક દવાઓના છંટકાવ દ્વારા રોગચાળો ફેલાતો અટકાવવાના ઉપાયો પણ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવતીકાલ ગુરૂવાર સવારથી જ બધી કામગીરી ક્રમશઃ શરૂ કરી દેવાના અને જનજીવન ઝડપથી પૂર્વવત કરવાના ઉપાયો માટે સ્પષ્ટ સૂચનો કર્યા હતા. વડોદરા શહેર અને જિલ્લા માટે સુરત, આણંદ, ખેડા, ભરૂચ, છોટાઉદેપુર અને અમદાવાદથી મોટી સંખ્યામાં ફૂડ પેકેટ તથા પીવાના પાણીના પાઉચ પહોંચાડવા તેમણે આ જિલ્લાના વહીવટી તંત્રોને સૂચના આપી હતી.

જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રાજકોટ તથા સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ જ્યાં વરસાદનું જોર ઘટી ગયું છે કે અટકી ગયો છે ત્યાંથી આવી સામગ્રી અને સાધનો મોબિલાઇઝ કરાશે. સાથે જ હવામાન વિભાગે આગામી 48 કલાક સુધી રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરી છે તે સંદર્ભમાં આ વિસ્તારોના કલેકટરોને પણ સતર્ક અને સજ્જ રહેવા મુખ્ય સચિવશ્રી રાજકુમારે આ બેઠક દરમિયાન જણાવ્યું હતું.

આ પણ વાંચોJamnagar Flood : જામનગરમાં આકાશી આફતથી લોકો ત્રાહિમામ, જોડિયાના બાલંભા ગામે 83 લોકોનું રેસ્ક્યુ કરાયું

Read More

Trending Video