Gujarat Congress : ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા 9 ઓગસ્ટે મોરબીથી (Morbi) શરૂ કરવામાં આવેલ ન્યાય યાત્રાનો (Nayay yatra) આજે ચોથો દિવસ છે. આજે આ ન્યાયયાત્રા રાજકોટમાં (Rajkot) પહોંચી હતી. અહીં ન્યાયયાત્રા કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે આવેલા TRP ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના સ્થળે પહોંચી હતી અને કોંગ્રેસના નેતાઓએ ધોળા દિવસે કેન્ડલ માર્ચ યોજીને મીણબતી જમીન પર રાખી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જો કે કોંગ્રેસના આ ક્રાર્યક્રમમાં અગ્નિકાંડના 17 જેટલા પીડિત પરિવારો જોડાયા ન હતા. ત્યારે TRP અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસના નેતાઓએ TRP અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી
ગુજરાત કોંગ્રેસની ન્યાયયાત્રા આજે રાજકોટમાં પહોંચી હતી. ત્યારે આ ન્યાય યાત્રા રાજકોટ TRP અગ્નિકાંડની જગ્યાએ પહોંચી હતી જ્યાં કોંગ્રેસના નેતાઓએ ધોળા દિવસે કેન્ટલ માર્ચ યોજી હતી અને TRP અગ્નિકાંડ ઘટનાસ્થળે મીણબત્તી પ્રગટાવી અને 2 મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
જિજ્ઞેશ મેવાણીના સરકાર પર જોરદાર પ્રહાર
ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, આ ઘટનાને 79 દિવસ થયા છે. આટલા દિવસમાં અમે એક જ માગણી કરી રહ્યા છીએ કે, એટલિસ્ટ આ કિસ્સામાં ન્યાય મળવો જ જોઈએ. અગાઉની ઘટનાઓમાં ભાજપની સરકારે અને તેના ઇશારે કામ કરતા તપાસ અધિકારીઓએ જે પ્રમાણે ભાંગરો વાટ્યો છે. જેમાં નાની માછલીઓને પકડી લેવી અને મોટા મગરમચ્છોને છોડી દેવા. આ પ્રકારથી ગુજરાતમાં લોકોમાં નારાજગી છે. સમજાતું નથી કે રાજ્ય સરકાર કેમ આટલી બધી જડ બની ગઈ છે. પીડિતોની એક પણ માગણી ન સ્વીકારવી, આ તો કયા પ્રકારનું વર્તન છે એ સમજાતું નથી. સરકાર પર પ્રહાર કરતા જીગ્નેશ મેવાણીએ પીડિતોને ન્યાય માટે રૂ. 1 કરોડનુ વળતર તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા માગ કરી હતી. આ સાથે કહયું કે, તિરંગાયાત્રા થવાથી ન્યાય નહિ મળે. 12 જેટલી માગણીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સમક્ષ મૂકવામાં આવી હતી. જો કે, 12માંથી એક પણ માગણી સ્વીકારવા રાજ્ય સરકાર તૈયાર નથી.જિગ્નેશ મેવાણીએ સરકારને ઘમંડી ગણાવી હતી. આ સાથે જે પીડિતો ન્યાયયાત્રામાં નથી જોડાયા તેમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને પીડિતોનો અવાજ વિધાનસભામાં ઉઠાવવાનું જણાવ્યું હતું. અને જ્યા સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો હુંકાર કર્યો હતો.
આ પણ વાંચો : Ahmedabad Rain : અમદાવાદમાં વહેલી સવારથી મેઘ મહેર, જાણો આજે રાજ્યના ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી