Gujarat Congress : મહેસાણામાં કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં IBની એન્ટ્રીથી વિવાદ, નેતાઓએ લગાવ્યા જાસૂસીના આક્ષેપ

June 1, 2026

Gujarat Congress : મહેસાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સમીક્ષા બેઠક દરમિયાન અચાનક સર્જાયેલા વિવાદે રાજકીય માહોલ ગરમાવ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને થયેલી કારમી હાર બાદ પ્રદેશ નેતાઓ દ્વારા હારના કારણોની સમીક્ષા કરવામાં આવી રહી હતી. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો કે ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના કર્મચારીઓ બેઠકમાં પ્રવેશી ગયા હતા અને બેઠકની વિડિયોગ્રાફી કરી રહ્યા હતા.

કોંગ્રેસના નેતાઓએ ઉઠાવ્યા સવાલો

કોંગ્રેસના જણાવ્યા મુજબ આ બેઠક સંપૂર્ણપણે આંતરિક અને ખાનગી સમીક્ષા બેઠક હતી. બેઠક દરમિયાન કેટલાક અજાણ્યા લોકો હાજર હોવાનું ધ્યાનમાં આવતા તેમની ઓળખ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ IB સાથે સંકળાયેલા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી બેઠકમાં હાજર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ નારાજ થયા હતા અને ખાનગી રાજકીય બેઠકમાં ગુપ્તચર એજન્સીના અધિકારીઓ કેવી રીતે પહોંચ્યા તે અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

ગુજરાત કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડા, જગદીશ ઠાકોર અને અન્ય આગેવાનોએ આ ઘટનાને ગંભીર ગણાવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર કોંગ્રેસની આંતરિક બેઠકો પર નજર રાખવાનો પ્રયાસ કરી રહી છે.

હારના કારણોની થઈ રહી હતી સમીક્ષા

ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના નબળા પ્રદર્શન બાદ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લાના આગેવાનો અને સંગઠનના હોદ્દેદારો પાસેથી ચૂંટણીના પરિણામો અંગે વિગતવાર માહિતી લેવામાં આવી હતી. ઉમેદવારોની હાર પાછળના કારણો, સંગઠનની ખામીઓ અને સ્થાનિક સ્તરે થયેલી ગેરવ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સાથે જ એવા કાર્યકરો અને હોદ્દેદારો સામે કાર્યવાહી અંગે પણ વિચારણા કરવામાં આવી હતી, જેમણે પક્ષ વિરુદ્ધ કાર્ય કર્યું હોય અથવા ચૂંટણી દરમિયાન ઉમેદવારોને પૂરતો સહયોગ ન આપ્યો હોય. પક્ષ છોડનારા અથવા ઉમેદવારી ફોર્મ પરત ખેંચનારા કાર્યકરો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આંદોલનની પણ જાહેરાત

બેઠક દરમિયાન કોંગ્રેસના નેતાઓએ આગામી દિવસોમાં રાજ્ય સરકાર સામે વિવિધ મુદ્દાઓ પર આંદોલન તેજ કરવાની જાહેરાત કરી હતી. મોંઘવારી, બેરોજગારી અને પેપર લીક જેવા મુદ્દાઓને લઈને રાજ્યભરમાં ઉગ્ર કાર્યક્રમો યોજવાની તૈયારી દર્શાવવામાં આવી હતી.

અમિત ચાવડાનું નિવેદન

પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ચોર, બૂટલેગર અને ગુનાહિત તત્વો પર નજર રાખવાને બદલે કોંગ્રેસની આંતરિક બેઠકમાં IBના અધિકારીઓ હાજર રહે તે ચિંતાજનક બાબત છે. તેમણે કહ્યું કે બેઠકમાં અજાણ્યા બનીને આવેલા લોકોના મોબાઇલમાંથી વિડિયો અને અન્ય માહિતી મળી હોવાનું પણ જાણવા મળ્યું છે.

કોંગ્રેસે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. જોકે, આ મામલે હજુ સુધી IB અથવા સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

આ પણ વાંચોDwarka ના શિવરાજપુર બીચ પર ન્હાવા અને સ્વિમિંગ પર પ્રતિબંધ, 30 જુલાઈ 2026 સુધી જાહેરનામું અમલમાં રહેશે

Read More

Trending Video