Gujarat Congress : ગુજરાતમાં 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. અને તે પહેલા જ હવે દરેક પક્ષ પોતાને મજબૂત બનાવવા તરફ વધી રહ્યા છે. ત્યારે જ્યાં જ્યાં પક્ષમાં નબળી કામગીરી થતી હોય તેવી બધી બાબતોને લઇ આજે કોંગ્રેસે સૌરાષ્ટ્ર માટે રાજકોટમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા તુષાર ચૌધરી સહિત કોંગ્રેસના રાષ્ટ્રીય અને પ્રદેશના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ કોંગ્રેસના નેતાઓએ કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની ભાજપ સરકાર સામે વિવિધ મુદ્દાઓને લઈને આકરા પ્રહારો કર્યા.
રામ મંદિર મુદ્દે મુકુલ વાસનિકનો સવાલ
મીડિયા સાથે વાતચીત દરમિયાન મુકુલ વાસનિકે રામ મંદિર સાથે જોડાયેલા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, જો રામ મંદિરના શિલાન્યાસથી લઈને નિર્માણ અને ઉદ્ઘાટન સુધીનો સમગ્ર શ્રેય વડાપ્રધાન પોતે લેતા હોય, તો મંદિર સાથે જોડાયેલા કથિત ગેરરીતિ કે ચોરીના આક્ષેપોની જવાબદારી પણ તેમણે જ સ્વીકારવી જોઈએ. વાસનિકે પ્રશ્ન ઉઠાવ્યો કે, સફળતાનો શ્રેય લેવાય તો વિવાદોની જવાબદારીથી દૂર કેવી રીતે રહી શકાય?
ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરી
વાસનિકે ખેડૂતોના પ્રશ્નો અંગે પણ કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, દરેક ચૂંટણી પહેલાં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) અંગે મોટા વચનો આપવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ આ વચનો ભૂલી જવાય છે. તેમણે એમ પણ કહ્યું કે, કૃષિ વૈજ્ઞાનિક એમ. એસ. સ્વામીનાથનની ભલામણોનો અમલ કરવામાં આવ્યો નથી, જેના કારણે ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળી રહ્યા નથી. તેમના જણાવ્યા મુજબ, ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખેડૂતો દેવાના બોજ હેઠળ જીવન પસાર કરી રહ્યા છે.
સુરતની પૂરની સ્થિતિ પર અમિત ચાવડાના આક્ષેપ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સુરતમાં સર્જાયેલી પૂરની સ્થિતિને લઈને ભાજપ સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા. તેમણે જણાવ્યું કે, પ્રિ-મોન્સૂન કામગીરીના નામે થયેલા કથિત ભ્રષ્ટાચારના કારણે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ઉભી થઈ શકી નથી. તેમના કહેવા મુજબ, સુરતમાં સર્જાયેલી હાલની સ્થિતિ માટે ભાજપના શાસકો અને સુરત મહાનગરપાલિકાની બેદરકારી જવાબદાર છે.
પહેલા જ વરસાદમાં રસ્તા ધોવાયા, ભુવા પડ્યા ને બ્રિજ તૂટ્યા.
પ્રી-મોન્સૂન કામગીરીના નામે થયેલો કરોડોનો ભ્રષ્ટાચાર અને ભાજપ ગુનાહિત બેદરકારી ખુલ્લી પડી છે.સુરત સહિત આખું ગુજરાત આજે આ ગેરવહીવટનો ભોગ બન્યું છે..શ્રી @AmitChavdaINC
પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ pic.twitter.com/8bnygv5ITp— Gujarat Congress (@INCGujarat) July 8, 2026
સૌરાષ્ટ્રથી રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ
સૌરાષ્ટ્ર ઝોનની સમીક્ષા બેઠક દરમિયાન કોંગ્રેસે સંગઠન મજબૂત બનાવવા સાથે રાજ્યના ખેડૂતો, પૂરગ્રસ્ત વિસ્તારો અને અન્ય જાહેર પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. આગામી રાજકીય કાર્યક્રમો અને જનઆંદોલનો માટે પણ કોંગ્રેસે કાર્યકરોને સક્રિય બનવાનો સંદેશ આપ્યો. બેઠક બાદ કોંગ્રેસના નેતાઓના નિવેદનોથી સ્પષ્ટ સંકેત મળ્યો કે, રાજ્યમાં આગામી દિવસોમાં વિવિધ જનમુદ્દાઓને લઈને ભાજપ સામે આક્રમક રાજકીય અભિયાન તેજ કરવામાં આવશે.