Gujarat Congress : ગુજરાતમાં આજથી હવે સૌથી મોટા રાજકીય ઘમાસાનનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં આજથી કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે તો આવતીકાલથી ભાજપની હર ઘર તિરંગા યાત્રા નીકળવાની છે. ત્યારે આજે મોરબીના ઝૂલતા બ્રીજથી વરસતા વરસાદ વચ્ચે કોંગ્રેસની ન્યાય યાત્રાનો શંખનાદ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા કાંડના પીડિતોને ન્યાય અને દોષીતને સજાની માંગણી સાથે આ ન્યાયયાત્રાની શરૂઆત કરી છે. અત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, અમિત ચાવડા, પાલ આંબલીયા, આગેવાનો, કાર્યકરો સાથે પીડિત પરિવારના સભ્યો પણ જોડાયા છે.
આજે મોરબી ખાતે ધ્વજવંદન કરીને ગુજરાત ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી.#GujaratNyayYatra pic.twitter.com/RDqKkxFdnU
— Gujarat Congress (@INCGujarat) August 9, 2024
ન્યાયયાત્રાનો હેતુ શું ?
રાજ્યમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચારને લીધે વડોદરા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ, કાંકરિયા રાઈડ કાંડ, તક્ષશિલા આગ કાંડ , બુલડોઝર કાંડ, લઠ્ઠા કાંડ, પેપર કાંડ, અંધાપા કાંડ, ભુમાફિયા કાંડ, બળાત્કાર કાંડ જેવા અનેક કાંડોનો ભોગ ગુજરાતના નિર્દોષ નાગરિકો બની રહ્યા છે.ત્યારે દોષિતોને સજા-પીડિતોને ન્યાયની લડાઈ એટલે કોંગ્રેસ (Gujarat Congress)ની ન્યાયયાત્રા 9 ઓગસ્ટથી મોરબી ખાતેથી શરુ કરવામાં આવી છે.
ન્યાયાત્રાનો રૂટ શું રહેશે ?
આ યાત્રામાં પીડિત પરિવારોજનો, કોંગ્રેસના સૈનિકો, ન્યાયયાત્રીઓ તથા ગુજરાતના નાગરિકો જોડાશે. કોંગ્રેસ પક્ષની ‘ગુજરાત ન્યાય યાત્રા’ મોરબી – ટંકારા – રાજકોટ – ચોટીલા – સુરેન્દ્રનગર – વિરમગામ – સાણંદ – અમદાવાદથી પસાર થઇને 23મી ઓગસ્ટે ગાંધીનગર ખાતે સમાપન થશે. “ગુજરાત ન્યાય યાત્રા”માં કોંગ્રેસ પક્ષના હોદેદારો, આગેવાનો, પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સક્રિય ભૂમિકા અદા કરી યાત્રામાં જોડાશે.
આ યાત્રામાં કેટલા પદયાત્રાળુંઓ જોડાશે ?
ગુજરાત ન્યાય યાત્રામાં ત્રણ પ્રકારના યાત્રિકો હશે. એક ન્યાય યાત્રીઓ કે જેઓ ન્યાયયાત્રાના આરંભથી સમાપન સુધી સાથે જોડાયેલા રહેશે જે સતત ૧૫ દિવસ સુધી પદયાત્રામાં રહેશે. પદયાત્રામાં 100 પદયાત્રીઓ કાયમી સાથે રહેશે. બીજા પદયાત્રી જેઓ જિલ્લાના ન્યાયાત્રીઓ જે પાંચથી સાત કલાક પૂરતા અને જે તે જિલ્લામાં પદયાત્રીઓ આવશે. ત્રીજા પ્રકારના સહયાત્રીઓ એ સહકાર યાત્રીઓ જ્યારે જોડાવું હોય ત્યારે જોડાઈ શકે જ્યારે નીકળવું હોય ત્યારે નીકળી શકે એ પ્રકારના પદયાત્રિકો રહેશે.
9 ઓગસ્ટે ન્યાય યાત્રા મોરબીના ઝુલતા પુલે શરુ કરવામાં આવશે તે ક્રાંતિ દિન તરીકે ઓળખાશે. 15મી ઓગસ્ટે મહાધ્વજવંદન સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવશે ત્યારબાદ યાત્રા વિરમગામ સાણંદથી અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમે અન્યાય અને અત્યાચાર સામે અવાજ ઉઠાવાશે.
યાત્રા દરમિયાન ક્યાં સભાઓ યોજાશે ?
11 ઓગસ્ટે ટંકારા થઇ રાજકોટ ખાતે સાંજે પહોંચશે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન ખાતે સંવેદના સભા થશે. 12 ઓગસ્ટે સવારમાં રાજકોટના મહત્વના વિસ્તારમાં ન્યાય યાત્રા ફરશે. તારીખે 13 ઓગસ્ટે સુરેન્દ્રનગર જીલ્લાથી ન્યાયયાત્રા પ્રયાણ કરશે. સમગ્ર યાત્રામાં ‘ભાજપના પાપનો ઘડો’ રાખવામાં આવશે તેમાં પ્રજાને થયેલા અન્યાયના અત્યાચારની ફરિયાદો પ્રજા આ ઘડામાં નાખશે. ભાજપના પાપનો થડો હવે ભરાઈ ગયો છે. ગુજરાતમાં આ પ્રકારની સાત પદયાત્રાઓ કાઢવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ ન્યાય યાત્રાનું ક્યાય પણ ઢોલ નગારા થી સ્વાગત કરવામાં આવશે નહીં. ફકત સૂતરની આટીથી જ સ્વાગત કરાશે.
આ પણ વાંચો : Sheikh Hasina : શેખ હસીના ફરી ચૂંટણી માટે બાંગ્લાદેશ પહોંચશે, પુત્રએ પૂર્વ PM ચૂંટણી લડવા અંગે આપ્યું મોટું અપડેટ