Gujarat CM Meeting : ગુજરાતમાં મુશળધાર વરસાદથી એલર્ટ જાહેર, ગાંધીનગરમાં CM ભુપેન્દ્ર પટેલે બોલાવી આપાતકાલીન બેઠક

August 26, 2024

Gujarat CM Meeting : ગુજરાતમાં હાલ આકાશી આફત વરસી રહી છે. ગુજરાતમાં હાલ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. રાજ્યમાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત દરેક જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકો વધારે વરસાદના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે હવે આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી. જેમાં તેમને દરેક જિલ્લાના કલેકટરો મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી અને સાવચેત રહેવા સૂચનાઓ પણ આપી હતી.

રાજ્યમાં શું છે હાલ પરિસ્થિતિ ?

  • આ હેતુસર NDRF, SDRF, સ્થાનિક પોલીસની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવા સાથે સ્થળાંતર કામગીરીની વિગતો પણ તેમણે મેળવી હતી.
  •  રાજ્યમાં અત્યાર સુધીમાં 17,827 લોકોનું સ્થળાંતર તેમજ 1653 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે.
  • અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 13 અને SDRFની 22 ટીમ તૈનાત કરવામાં આવી છે, જે બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે.
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા આ વરસાદને પરિણામે નદીઓ જળાશયોમાં આવેલા પાણીની સ્થિતિની પણ વિગતો મેળવી હતી.
  • રાજ્યના ૨૦૬ જળાશયોમાંથી 100 ટકા ભરાઈ ગયા હોય તેવા 59 જળાશયો છે. 72 જળાશયો હાઈ એલર્ટ પર અને 22 એલર્ટ પર રાખવામાં આવ્યા છે, તથા 9 માટે છલકાઈ જવાની વોર્નિંગ અપાઇ છે અને 7 નદીઓ ઓવરફ્લો થઈ છે.
  • સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 88.74 ટકા એટલે કે 2,96,459 MCFT પાણીનો જથ્થો છે.
  •  મુખ્યમંત્રીએ વરસાદને કારણે વીજ પુરવઠાને, માર્ગોને કે આવશ્યક ચીજ વસ્તુઓના પુરવઠાને પડેલી અસર પણ યુદ્ધના ધોરણે કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરવા સંબંધિત તંત્રવાહકોને અને વરિષ્ઠ અધિકારીઓને સૂચનાઓ આપી છે.
  • મુખ્યમંત્રીશ્રીએ વરસાદ અટકે એટલે તુંરત જ રોગચાળા નિવારણના આગોતરા પગલાં લેવા માટે જંતુનાશક દવાનો છટકાવ, માટી, કાંપ દૂર કરી સફાઈ કામગીરી ત્વરાએ હાથ ધરવા તથા રસ્તા પરની આડશો દૂર કરી માર્ગો પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા પણ સૂચનાઓ આપી હતી.
  •  રાજ્યમાં હાલ સુરત નવસારી વલસાડ તાપી ડાંગ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં મળીને સમગ્ર 523 માર્ગો બંધ છે.
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સંદર્ભે પણ વિગતો મેળવી હતી.
  • હવામાન વિભાગના અધિકારીઓએ આગામી બે ત્રણ દિવસ સુધી રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદની આગાહી કરી છે અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેની વિગતો આપી હતી.
  • તદનુસાર મુખ્યમંત્રીએ કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માં ભારે વરસાદની સંભાવનાઓને પગલે આ જિલ્લાઓના કલેકટરો ને એલર્ટ રહેવા સૂચના આપી હતી.
  • મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને નવસારી , વલસાડ, ડાંગ, પંચમહાલ તથા વડોદરા અને છોટા ઉદેપુર સહિતના વધુ અસર ગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો સાથે તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાથે કોન્ફરન્સ દરમિયાન વાતચીત કરીને તેમના જિલ્લામાં નદીઓના પાણીનો આવરો, ટ્રાફિક નિયમન તેમજ નીચાણ વાળા વિસ્તારોના લોકોના કરવામાં આવેલા સ્થળાંતરની ઝીણવટ પૂર્વકની સમીક્ષા કરી હતી.
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદની સ્થિતિમાં સ્થાનિક જિલ્લા તંત્રનું માર્ગદર્શન કરવા સંબંધિત જિલ્લાના પ્રભારી સચિવોને તત્કાલ તેમને સોંપાયેલા જિલ્લાના મુખ્ય મથકોએ પહોંચી જવા સુચનાઓ આપી હતી.
  • તેમણે સમગ્ર રાજ્યના જિલ્લા કલેકટરો અને વહીવટી તંત્રોને સંપૂર્ણ સજ્જતા સાથે ઝીરો કેઝ્યુઆલીટી અભિગમ અપનાવી સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું.
  • મુખ્ય સચિવ રાજકુમાર સહિત રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ સચિવો NDRF હવામાન વિભાગના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.

આ પણ વાંચોChhota Udepur : છોટા ઉદેપુરમાં ભારે વરસાદના કારણે શિહોદ બ્રિજ બેસી ગયો, સુખી ડેમનું પાણી છોડતા બ્રિજનું ધોવાણ થયું

Read More

Trending Video