ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં સોશિયલ મીડિયા યુથ સમિટનું કમલમ કાર્યાલય ખાતે આયોજન કરાયું હતું.
સોશિયલ મીડિયા યુથ સમિટીનું આયોજન
ગાંધીનગર ભાજપ કાર્યાલય ખાતે સોશિયલ મીડિયા યુથ સમિટીનું આયોજન કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપની સોશિયલ મીડિયા ટીમના અંદાજે 3 હજાર કાર્યકરો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપે સરકારી યોજનાઓનો સોશિયલ મીડિયા પર પ્રચાર કરવા જણાવ્યું હતું.
સરકારની યોજનાઓનો સોશિયલ મીડિયા દ્વારા કરાશે પ્રચાર
કેન્દ્ર- રાજ્ય સરકારની યોજનાઓનો સતત સોશિયલ મીડિયા પર પ્રચાર કરવામા આવશે. આ સાથે સોશિયલ મીડિયા દ્વારા વિપક્ષને જવાબ આપવામા આવશે તેમ જણાવવામા આવ્યું હતું.
C R પાટીલે કહી આ વાત
સી આર પાટીલે કહ્યું કે, “આપણે આ લડાઈ લડવાની છે કોઈ ખોટી કોમેન્ટ કરે તો તેને જવાબ આપવાનો છે અને સાચા વાત લોકોને કહેવાની ટેવ પાડવાની છે, અમુક લોકો પાસે દેશ અને લોકોને આપવા માટે કંઈ નથી એટલા માટે ખોટો પ્રચાર કરતા હોય છે, તમે જ્યારે સોશિયલ મીડિયામાં જવાબ આપો ત્યારે વધારે માહિતી લઈને જવાબ આપજો જેથી તમારો કોઈ વિરોધ ન કરી શકે.
સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરવા જણાવ્યું
વધુમાં તેઓએ કહ્યું કે, ” આજે સોશિયલ મીડિયા આગની જેમ ફેલાઈ જાય છે હુ તો કહુ છું આપણે દાવાનળની જેમ ફેલાઈ જવાનું છે અને આ દાવાનળમાં સામે વાળાને ભસ્મીભૂત કરવાની તાકાત છે. આપણામાં સોશિયલ મીડિયાનો જે રીતે ઉપયોગ થવો જોઈએ તેવો ઉપયોગ થતો નથી. સોશિયલ મીડિયામાં તમારી કોમેન્ટની ખુબ અસર થાય છે.
કોંગ્રેસ પર કર્યા પ્રહાર
વંદે ભારતને લઈને પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેઓએ કહ્યું કે, પહેલા ટ્રેનની હાલ ખુબ ખરાબ હતી તેના બદલે આજે તમામ સુવિધાઓ સાથે સમયસર ટ્રેન પહોંચે છે. આ બધુ વડાપ્રધાન મોદીના કારણે શક્ય બન્યું છે.
સરકારી યોજનાઓનો પ્રચાર કરવા સુચન
તેમણે કાર્યકર્તાઓને નમો એપ રોજ એક વાર ખોલવા કહ્યું કે, “વડાપ્રધાન તેમાં કોઈને કોઈ અપડેટ મુકતા હોય છે તેને તમારે રીટ્વિટ કરવાની. પહેલા કોંગ્રેસના સમયમાં યોજનાઓ બનતી તો તે કાગળ પર રહેતી હતી અને વડાપ્રધાને યોજનાઓ દરેક વ્યક્તિને તેનો લાભ પહોંચે તે માટે તેની પણ ચિંતા કરતા હોય છે. વડાપ્રધાને 180 યોજનાઓ બનાવી છે તેમા કોઈ સેક્ટર બાકી ન રહી જાય તેનું પણ ધ્યાન રાખ્યું છે. આ યોજનાઓ જાણવા માટેની એપ પણ છે. યુવા મોરચા દ્વારા કામ કરાવમા આવે છે પરંતુ આપણે બોલતા નથી, તમારે સરકારની આ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવાની છે”
ઉલ્લેખનીય છે કે હવે લોકસભાની ચૂંટણીને થોડા જ મહિના બાકી રહ્યા છે. ત્યારે આ પહેલા ભાજપે પોતાની સોશિયલ મીડિયા ટીમને વધુ મજબૂત બનાવવા માટે કવાયત તેજ કરી દીધી છે.