Gujarat : ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણય, તમામ યાંત્રિક ફિશિંગ બોટને મળશે ડીઝલ પર વેટ રાહત, જાણો સમગ્ર મામલો

July 8, 2026

Gujarat : રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં માછીમાર સમુદાય માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સરકારે માછીમારોની યાંત્રિક ફિશિંગ બોટમાં વપરાતા ડીઝલ પર પ્રતિ લિટર રૂ. 15 સુધીની વેટ રાહત આપતી યોજનામાં મોટો સુધારો કર્યો છે. સૌથી મહત્વની બાબત એ છે કે, હવે આ યોજનામાં બોટની 20 મીટરની લંબાઈની મર્યાદા સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે.

નાના-મોટા તમામ માછીમારોને સમાન લાભ

અગાઉ આ યોજનાનો લાભ માત્ર 20 મીટરથી ઓછી લંબાઈ ધરાવતી યાંત્રિક બોટોને જ મળતો હતો. નવા નિર્ણય બાદ રાજ્યની તમામ નોંધાયેલી યાંત્રિક ફિશિંગ બોટો, જેમાં ડીપ-સી ફિશિંગ બોટોનો પણ સમાવેશ થાય છે, આ યોજનાનો લાભ મેળવી શકશે. સરકારના આ નિર્ણયથી રાજ્યની 18 હજારથી વધુ બોટોને સીધો લાભ મળશે, જેના કારણે માછીમારોના ડીઝલ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાની સાથે તેમની આવકમાં પણ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

યોજનાનો લાભ મેળવવા આ શરતો રહેશે જરૂરી

સરકારે સ્પષ્ટ કર્યું છે કે યોજનાનો લાભ મેળવવા માટે સંબંધિત ફિશિંગ બોટની નોંધણી રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર થયેલી હોવી જોઈએ. ઉપરાંત બોટ પાસે માન્ય ફિશિંગ લાયસન્સ હોવું પણ ફરજિયાત રહેશે. પાત્ર બોટ માલિકોને સરકાર દ્વારા ડીઝલ કાર્ડ આપવામાં આવશે, જેના આધારે તેઓ વેટ રાહતનો લાભ મેળવી શકશે. જે માછીમારોએ હજુ સુધી નોંધણી અથવા લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરી નથી, તેમને તે વહેલી તકે પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

વરસાદી પરિસ્થિતિની પણ સમીક્ષા

કેબિનેટ બેઠક દરમિયાન રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદ અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિની પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરી અંગે માહિતી મેળવી હતી. સાથે જ આવતીકાલે સુરત અને વલસાડ જિલ્લાની મુલાકાત લઈને સ્થિતિનું સ્થળ પર નિરીક્ષણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત તમામ વરસાદગ્રસ્ત જિલ્લાઓમાં સ્થાનિક અને પ્રભારી મંત્રીઓને સ્થળ મુલાકાત લઈ રાહત કામગીરી તથા વહીવટી તંત્રની સજ્જતાની સમીક્ષા કરવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોBrijraj Solanki : ધોળકાના સરગવાળા ગામમાં ગેસ પાઇપલાઇન મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, બ્રિજરાજ સોલંકીએ ખેડૂતો સાથે મળી બહાર કાઢી પાઈપલાઈન

Read More

Trending Video