Politics : પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયતના કોંગ્રેસના વિપક્ષના નેતા જેબી સોલંકી પર શહેરા સિવિલ હોસ્પિટલ નજીક ત્રણ રસ્તા પાસે 20 થી 25 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં જેબી સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં જેબી સોલંકીએ તેમના પર થયેલા હુમલાને લઈને શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ સામે ગંભીર આક્ષેપો કર્યાં છે. જેઠા ભરવાડે આ હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ થયો છે. હાલ તેઓને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે તેઓના હાથ પગ તોડી નાખવામાં આવ્યા છે.
આક્ષેપ
જેબી સોલંકીનો આક્ષેપ છે કે, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો છે. મેં અવારનવાર પોલીસ પ્રોટેકશન માગ્યું હતું તેમજ જિલ્લા પોલીસવડાને પણ રજૂઆત કરી હતી છતાં પણ મારી કોઈએ નોંધ ના લીધી અને આ હુમલા પાછળ ધારાસભ્ય જેઠા ભરવાડનો હાથ છે. તેમણે કહ્યું કે, નંબર પ્લેટ વિનાની કાળા રંગની ગાડી શહેરા સિવિલ સામે હુમલો થયો છે. 25 લોકોના ટોળાએ ઘેરીને હુમલો કર્યો. પંચમહાલ એસપીને બંદોબસ્તની રજૂઆત છતાં તેમણે સુરક્ષા આપી નહી.
કોંગ્રેસની માંગ
ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી સહિત કોંગ્રેસના નેતાઓ આજે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પંચમહાલના પ્રવાસે હતા ત્યારે શહેરામાં કોંગ્રેસના નેતા પર હુમલો થયાની ઘટનાની જાણ તથા આ નેતાઓ શહેરા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમણે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી.
જેઠા ભરવાડની સ્પષ્ટતા
જોકે આ મુદ્દે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડનો સંપર્ક કરતા તેમણે આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી જણાવ્યું કે, આ એક સભ્ય તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા છે. તેમની સામે અનેક કેસો થયેલા છે. હું તો મારી ઓફિસ અમદાવાદમાં બેઠો છું મને આ બાબતે ખબર નથી. હું અમદાવાદ મારી ઓફિસે બેઠો છું.