Amreli: ગુજરાતમાં વરસાદનો (Gujarat Rain) વધુ એક રાઉન્ડ શરુ થયો છે. ત્યારે આ વરસાદને કારણે સૌથી વધુ ખેડૂતોને નુકસાન થયુ છે ત્યારે હવે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા(Kaushik Vekaria) આ મામલે મેદાને આવ્યા છે. વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાએ સતત વરસાદને કારણે ખેતીપાકોને વ્યાપક નુકશાની અંગે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે કમોસમી વરસાદને કારણે લીલા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ હોવાથી નુકશાનીનો સર્વે કરી તાત્કાલિક સર્વે કરી સહાયરૂપ આપવામાં આવે તેવી માંગ કરી છે.
વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે, તાજેતરમાં નવરાત્રિ દરમિયાન થયેલ અમરેલી અને કુંકાવાવ તાલુકામાં તથા અમરેલી જિલ્લાના અન્ય તાલુકામાં પડેલ વરસાદને કારણે ખેડૂતોના વિવિધ પાકેલા પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે.અમરેલી જિલ્લામાં થયેલ કમોસમી વરસાદને કારણે લીલા દૂષ્કાળની પરિસ્થિતિ સર્જાઇ છે. જેથી ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થઇ શકાય તે સારુ થયેલ નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી રાજ્ય સરકાર સહાય પેકેજની જાહેરાત કરે તેવી મારી સમક્ષ અમરેલી જિલ્લાના ખેડૂતોએ મૌખિક રજૂઆત કરેલ છે.ઉપરોક્ત રજૂઆત પરત્વે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સત્વરે આપની કક્ષાએથી જરૂરી નિર્ણય કરી,સહાય પેકેજની જાહેરાત કરવા મારી આપશ્રીને ખેડૂતો વતી અંગત ભલામણ સહ વિનંતિ છે.
શું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કૌશિક વેકરીયાની રજૂઆત સાંભળશે ?
મહત્વનું છે કે, હવે ભાજપના નેતાઓ હોય કે અન્ય હોદ્દેદારો પોતાના વિસ્તારના વિવિધ પ્રશ્નોને લઈને મેદાનમાં આવી રહ્યા છે ત્યારે હવે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાએ પણ અમરેલી જિલ્લામાં વરસાદને કારણે ખેડૂતોને થયેલ પાક નુકસાની મામલે મેદાનમાં આવ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે, ગુજરાત સરકાર નાયબ દંડક કૌશિક વેકરીયાની આ રજૂઆત સાંભળે છે કે નહીં.