પાલનપુરમાં આવેલા RTO સર્કલ નજીક નિર્માણાધીન રેલવે ઓવરબ્રીજનો એક ભાગ સોમવારે ધરાશયી થયો હતો. આ દુર્ઘટનામાં બે લોકોની જીવ ગયા અને આ મુદ્દે માનવવધનો ગુનો નોંધાયો છે. GPS ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા બનાવવામાં આવી રહેલા આ બ્રીજ લોકાર્પણ થતાં પહેલા જ ધરાશયી થતા અનેક સવાલો ઉભા થયા છે. આ ઘટનાના પડઘા ગાંધીનગરમાં પડ્યા છે અને તપાસના આદેશ છૂટ્યા છે. પરંતુ આ કંપની સાથે ભાજપને રાજકીય સંબંધો હોવાનું સામે આવ્યું છે.
ચૂંટણી ફંડ
GPS ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ભાજપનો સવા કરોડનો વાટકી વહેવાર થયો છે. મે 2019માં ભાજપને આ કંપનીએ સવા કરોડનું ચૂંટણી ફંડ આપ્યું છે અને તેમના આ સંબંધોને કારણે આ કંપની સામે સત્તાનું ઉદાર વલણ પણ રહ્યું છે કારણ કે નબળી ગુણવત્તાના બાંધકામ માટે આ કંપનીને વર્ષ 2016 થી 2018 સુધી બ્લેક લીસ્ટેડ કરવામાં આવી હતી પરંતુ રાજકીય સંબંધોના કારણે તેની સામે કોઈ પગલાં લેવાયા નહોતા અને ચુંટણીફંડ મળી જતા આ માર્ગ મકાન વિભાગની ઉદારતાના કારણે બ્લેકલીસ્ટેડ થયેલી કંપનીને પાલનપુરનો બ્રીજ બનાવવાનો કોન્ટ્રેક્ટ મળ્યો.
રાજકીય વગનો ભરપુર ઉપયોગ
બ્લેક લીસ્ટેડ કંપનીને વર્ષ એપ્રીલ 2021માં પાલનપુરનો બ્રીજ બનાવવાનો કોન્ટ્રેક્ટ મળ્યો હતો અને બે વર્ષમાં કામ પૂર્ણ કરવાનું હતું પરંતુ મોસાળે જમણ અને મા પિરસણે તેમ રાજકિય વગ વાપરી કંપનીએ પુલ બનાવવાની મુદ્દત વધારી દીધી હતી કારણે કે સત્તાના શિર્ષ સ્થાને બેસેલા લોકોને કમિશનથી મતલબ છે લોકોના જીવથી નહી. આ મામલે કોંગ્રેસ દ્વારા પણ સવાલો ઉઠાવી સત્તાધારી ભાજપ સામે આકરા પ્રહાર કર્યાં હતા.
શું બ્રીજની ગુણવત્તા ચકાસનારી ટીમ કાગળ પર છે?
બીજી તરફ અમદાવાદમાં નિર્માણ પામી રહેલા બ્રીજ સામે પણ સવાલો ઉઠ્યા છે. સામાન્ય રીતે કોઈ પણ બ્રિજ બનાવતી વખતે મટીરિયલ અને કામગીરીનું સુપરવિઝન કરવા માટે પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની નિમણૂંક થાય છે. નિયમ પ્રમાણે પ્રોજેક્ટ મેનેજર સહિત કુલ 6 એન્જીનિયરોની ટીમે સુપરવિઝન માટે ફુલટાઈમ હોય છે પણ અમદાવાદ શહેરના સાયન્સ સીટી બ્રીજ, વાડજ, હેબતપુર ગામ, ઘોડાસર બ્રીજ, મુમતપુરા બ્રીજ, રણાસણ બ્રીજ, વસ્ત્રાપુર રેલવે ઓવરબ્રીજ આ સાત બ્રીજ એવા છે જેમાં સુપરવિઝન માટે નક્કી કરાયેલા એન્જીનિયર નથી. 4 એન્જીનિયરોના શિરે એક કરતા વધારે બ્રીજની જવાબદારી છે. AUDA અને AMC દ્વારા જે-તે બ્રીજના પ્રોજેક્ટના 1.5% પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીને ચૂકવવામાં આવે છે અને ટેન્ડરમાં એન્જીનિયરની લાયકાત, પ્રોજેક્ટ દીઠ ઓછામાં ઓછો સ્ટાફ વગેરે જેવી નાની નાની પણ મહત્વની બાબતોનો ઉલ્લેખ કરાયો પણ અહીં ટેન્ડરની શરતોનો ભંગ થયાનું જણાયું છે અને અનેક પ્રોજેક્ટમાં શરત હોવા છતાં ટેકનિકલ સ્ટાફ પણ નિમાયો નથી.