Google Buyout Offer: ટેક જાયન્ટ માઈક્રોસોફ્ટ દ્વારા હજારો કર્મચારીઓને નોકરી છોડવા માટે બાયઆઉટ પેકેજ ઓફર કર્યાના ગણતરીના દિવસો બાદ હવે આઈટી જગતની બીજી દિગ્ગજ કંપની ગૂગલે પણ આ જ માર્ગ અપનાવ્યો છે. રોઇટર્સના અહેવાલ અનુસાર, ગૂગલે પોતાના કર્મચારીઓ માટે સત્તાવાર રીતે ‘વોલન્ટરી એક્ઝિટ પ્રોગ્રામ’ (બાયઆઉટ ઓફર) શરૂ કર્યો છે. આ યોજના હેઠળ કંપની પોતાના કર્મચારીઓને સામેથી આકર્ષક સેવરન્સ પેકેજ (નાણાકીય વળતર) આપીને નોકરી છોડી દેવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. કંપનીએ આક્રમક રીતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીમાં મોટા પાયે થઈ રહેલા મૂડીરોકાણ અને અન્ય ઓપરેશનલ ખર્ચાઓમાં કાપ મૂકવાના ભાગરૂપે આ આકરું પગલું ભર્યું છે.
5 મોટા દેશોમાં બાયઆઉટ પેકેજ આપવાની શરૂઆત
ગૂગલની પેરેન્ટ કંપની અલ્ફાબેટે આ અહેવાલની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે, હાલમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન અને સ્વિટ્ઝરલેન્ડમાં કાર્યરત કર્મચારીઓને સ્વૈચ્છિક રાજીનામું આપવા માટેનું એક્ઝિટ પેકેજ ઓફર કરવાનું શરૂ કરી દેવાયું છે. ગૂગલના પ્રવક્તાએ સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે, “વર્ષ 2025 માં અમારી કેટલીક આંતરિક ટીમોએ સેવરન્સ પેકેજ સાથે આ વોલન્ટરી એક્ઝિટ કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ જૂન મહિનામાં અમે કંપનીના ભવિષ્યના સૌથી મહત્વપૂર્ણ કાર્યો અને પ્રાથમિકતાઓને સમર્થન આપવા માટે આ પ્રોગ્રામને વૈશ્વિક સ્તરે કેટલાક પસંદગીના દેશો સુધી વિસ્તૃત કર્યો છે.”
શું ભારતીય કર્મચારીઓ પર જોખમ તોળાઈ રહ્યું છે?
હાલ પૂરતી ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે રાહતની વાત એ છે કે પ્રથમ તબક્કામાં જે દેશોની યાદી જાહેર કરવામાં આવી છે, તેમાં ભારતનો સીધો સમાવેશ કરાયો નથી. ભારતમાં ગૂગલના હજારો કર્મચારીઓને અત્યાર સુધી આવો કોઈ સ્વૈચ્છિક બાયઆઉટ ઓફર અપાયો નથી. જોકે, આઈટી નિષ્ણાતો માને છે કે જો ગૂગલ આવનારા દિવસોમાં પોતાના AI બજેટને પહોંચી વળવા માટે આ નીતિને વધુ વિસ્તૃત કરશે, તો ભવિષ્યમાં ભારતીય ડેવલપર્સ અને એન્જિનિયર્સ પર પણ તેની આંશિક અસર પડી શકે છે.
AI પાછળ અબજોનું આંધળું રોકાણ બન્યું મુખ્ય કારણ
ગૂગલ, માઈક્રોસોફ્ટ, મેટા અને એમેઝોન જેવી વૈશ્વિક ટેક કંપનીઓ હાલ જનરેટિવ AI અને ડેટા સેન્ટર્સ પાછળ અધધધ નાણાં ખર્ચી રહી છે. આટલા મોટા પાયે થઈ રહેલા કેપિટલ એક્સપેન્ડિચરના કારણે અમેરિકાના શેરબજાર વોલ સ્ટ્રીટમાં રોકાણકારોની ચિંતા વધી છે, જેને પગલે તાજેતરમાં અલ્ફાબેટના શેરમાં પણ ઘટાડો નોંધાયો હતો. નફાકારકતાનું સંતુલન જાળવવા અને શેરધારકોના હિતનું રક્ષણ કરવા માટે કંપનીઓ હવે પરંપરાગત વિભાગોના સ્ટાફમાં ઘટાડો કરીને નાણાં બચાવવાની રણનીતિ અપનાવી રહી છે.
માઈક્રોસોફ્ટે 60,000 કર્મચારીઓને ઓફર કર્યો હતો કોન્ટ્રાક્ટ
નોંધનીય છે કે ગૂગલ પહેલાં માઈક્રોસોફ્ટે પણ પોતાના આશરે 60,000 જેટલા વૈશ્વિક કર્મચારીઓને નોકરી છોડવા બદલ ‘બાયઆઉટ કોન્ટ્રાક્ટ’ પકડાવ્યો હતો, જેમાં ભારતીય કર્મચારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ટેક સેક્ટરમાં સામૂહિક છટણી (Layoffs) ની નકારાત્મક છાપથી બચવા માટે હવે બહુરાષ્ટ્રીય કંપનીઓ કર્મચારીઓને સન્માનજનક પેકેજ સાથે સ્વેચ્છાએ બહાર નીકળવાનો વિકલ્પ આપી રહી છે. AI ક્રાંતિના આ યુગમાં વૈશ્વિક ટેક જગત મોટા માનવબળના પુનર્ગઠનમાંથી પસાર થઈ રહ્યું છે.