Gondal Fake King : આજે પણ સમગ્ર ગુજરાત હોય કે પછી દેશમાં સૌરાષ્ટ્ર તેના રાજા રજવાડાઓન નામથી ઓળખાય છે. સૌરાષ્ટ્ર તેની સંસ્કૃતિ અને ખુમારી માટે જાણીતું છે. ત્યારે હવે આ જ સૌરાષ્ટ્રના એક રજવાડાના નામે છેતરપિંડી થઇ રહી હોવાની વાત સામે આવી રહી છે. અત્યારસુધી તો નકલી અધિકારી, શાળા, શિક્ષકો, યુનિવર્સીટી અને નકલી ઘી બાદ હવે રાજવી પણ નકલી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. ગોંડલ આમ તો મહારાજા સર ભગવતસિંહજીના નામથી પ્રસિદ્ધ છે.ત્યારે હવે ગોંડલના રાજવી તરીકેની ખોટી ઓળખ આપી લાભ ઉઠાવનારાના નામનો ઘટસ્ફોટ થયો છે. યદુવેન્દ્રસિંહ જાડેજા નામનો વ્યક્તિ પોતે ગોંડલનો રાજવી હોવાની ઓળખ આપતો હોવાનો ખુલાસો થયો છે.
ગોંડલનો રાજવી હોવાનું કહી જાહેર કાર્યક્રમોમાં આપે હાજરી
પોતે ગોંડલનો રાજવી હોવાનું કહી વિવિધ કાર્યક્રમોમાં માન પાન મેળવી લાભ ઉઠાવે છે. નકલી રાજવી તરીકેની ઓળખ આપી યદુવેન્દ્રસિંહ જાડેજા ગોતા સ્થિત ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં પણ હાજર રહ્યો હતો. તો મહેસાણામાં યોજાયેલ વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના કાર્યક્રમમાં પણ ગોંડલના રાજવીની ઓળખ આપી હાજર રહ્યો હતો. સમગ્ર મામલો સામે આવતાં ગોંડલ રાજવી પરિવારના પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડેજાએ કેટલાક ખુલાસા કર્યા છે.
ગોંડલ સ્ટેટ તરફથી શું કરાયો ખુલાસો ?
ગોંડલ સ્ટેટના મહારાજ હિમાંશુસિંહજી છે, તેમનું રાજતિલક હજુ આઠ માસ પહેલાં થતાં તેઓ ગોંડલનાં રાજવી બન્યા છે. રાજવી હિમાંશુસિંહજીએ લગ્ન જ નથી કર્યા તો યુવરાજ ક્યાંથી?? આ ઊઠેલા સવાલો અંગે રાજવી પરિવારના પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડેજાએ વિગતે ચોખવટ કરતાં જણાવ્યું હતું કે ધંધૂકામાં આસ્થા ફાઉન્ડેશનના સમારોહમાં, અમદાવાદમાં ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં અને તાજેતરમાં ગોતા ખાતે ક્ષત્રિય અસ્મિતા મંચના નેજા હેઠળ યોજાયેલા ક્ષત્રિય રાજવીઓના સંમેલનમાં યદુવેન્દ્રસિંહ જાડેજા નામની વ્યક્તિ પોતાની ઓળખ ગોંડલ સ્ટેટના યુવરાજ તરીકે આપી રહ્યાની વિગતો અમને મળી છે. હદ તો ત્યારે થાય છે કે આ યદુવેન્દ્રસિંહે રાજવીઓના સંમેલનમાં ગોંડલ યુવરાજ તરીકે સંબોધન પણ કર્યું હતું.
મહારાજા ભગવતસિંહજીના વંશજ એટલે મહારાજા હિમાંશુસિંહજી
મહારાજા ભગવતસિંહજીના પાંચમા વંશજ અને ગોંડલ સ્ટેટના 17મા મહારાજા હિમાંશુસિંહજી જ્યોતિન્દ્રસિંહજી જાડેજા છે. રાજ્યના એક માત્ર યુવરાજ હિમાંશુસિંહજી હતા. જેમનું રાજતિલક આઠ મહિના અગાઉ જ થતા તેઓ ગોંડલના રાજવી બન્યા છે. જણાવી દઈએ કે, મહારાજા ભગવતસિંહજી ગુજરાતી ભાષાના સૌપ્રથમ એન્સાઇક્લોપીડિયા ‘ભગવતગોમંડળ’ના રચયિતા અને આજથી 100 વર્ષ પહેલાં સ્ત્રી કેળવણી અને ફરજિયાત એજ્યુકેશનની શરૂઆત કરનાર મહાન વિભૂતિ હતા. ભગવતસિંહજીના કારણે તો ગોંડલ અને રાજવી પરીવારને આજે આખી દુનિયા યાદ કરે છે.
આ પણ વાંચો : Himachal Pradesh : હિમાચલમાં વક્ફ બોર્ડને નાબૂદ કરવાની માંગ, વિરોધ દરમિયાન VHP કાર્યકરનું હાર્ટ એટેકથી મોત