Gir Somnath : 2 વર્ષે મળ્યો ન્યાય ! 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા

July 30, 2024

Gir Somnath :  ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાની કોડીનાર (Kodinar) તાલુકાની 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ (rape case) આચરી તેણીની હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા મળી છે.આ નરાધમે બળાત્કાર ગુજરી ત્યારબાદ તેની હત્યા કરી લાશને બહાર અવાવરું જગ્યામાં ફેંકી દીધી. જે બાદ પરિવારજનો અને સમાજના લોકોએ આ આરોપીને ઝડપથી કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh sanghvi)  પણ બાંહેધરી આપી હતી કે આરોપીને ઝડપથી કડકમાં કડક સજા થાય તે પ્રકારની કાર્યવાહી કરવામા આવશે. ત્યારે આજે આ ઘટનાને બે વર્ષે આ માસુમ બાળકીને ન્યાય મળ્યો છે. કોર્ટે આ આરોપીને આજે ફાંસીની સજા ફટકારી છે. આમ બે વર્ષે પરિવારજનોને રાજ્ય સરકારે આપેલી બાહેધરી અને ગૃહમંત્રીએ આપેલું વચન પૂર્ણ થયું છે અને સાધુ સમાજની દીકરીને ન્યાય મળ્યો છે.

8 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા

મહત્વનું છે કે, રાજ્યમાં બાળકીઓ પર થતા દુષ્કર્મ અને હત્યા જેવા ગુનાઓ પર સદંતર અંકુશ લાવવા આવા નરાધમ તત્વો સામે ખૂબ જ ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી કડકમાં કડક સજા કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આવા કેસોમાં ગુજરાત પોલીસને તે પ્રકારની સઘન કાર્યવાહી કરવા આદેશો આપેલા છે. એટલું જ નહિ, આ પ્રકારના ગંભીર અને સંવેદનશીલ કેસમાં બારીકાઈથી તપાસ હાથ ધરી તમામ આનુષંગિક વૈજ્ઞાનિક અને સાંયોગિક પુરાવાઓ એકત્ર કરી દોષિતોને ફાંસી સુધીની સજા થાય તેવું ઇન્વેસ્ટીગેશન કરવા સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે તા.12મી જૂન 2022ના રોજ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની 8 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરી તેણીની હત્યા કરી દેનાર એક નરાધમને ફાંસીની સજા થવા સંભળાવવામા આવી છે. આ પ્રકારની કડક કાર્યવાહી થકી, ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો સામે રાજ્ય સરકારે આવા નરાધમોને ચેતવણીનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.

કોર્ટે આપ્યો આ આદેશ

ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર તાલુકાની 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને ત્યાર બાદ તેણીની હત્યાનો બનાવ બનતા આ બનાવની ગંભીરતાને આધારે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રીએ ઉચ્ચ પોલીસ અધિકારીની બનેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના કરી હતી. આ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે એફએસએલની મદદ લઇ તમામ સાંયોગિક પુરાવા એકઠા કરી 25 દિવસમાં તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ કરી હતી. આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા નરાધમને ફાંસીની સજા સંભળાવી છે. એટલું જ નહિ, બાળકીના પરિવારને 17 લાખ વળતર ચૂકવવા આરોપીને આદેશ કર્યા છે. દુષ્કર્મ આચરનાર નરાધમને મળેલી કડક એવી ફાંસીની સજાથી માસૂમ દીકરીના પરિવારજનોને રાજ્ય સરકારે આપેલી બાહેધરી અને ગૃહમંત્રીએ આપેલું વચન પૂર્ણ થયું છે અને સાધુ સમાજની દીકરીને ન્યાય મળ્યો છે.

શું હતી સમગ્ર ઘટના ?

કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામના એક મજૂર પરિવારની આઠ વર્ષીય બાળકીને પાડોશીએ ગામમાં સેવ લેવા માટે મોકલી હતી. ત્યારે રસ્તામાં શામજી ભીમા સોલંકીનું ઘર આવે છે.ત્યારે બાળકીને ગામમાં જતી જોઈ શામજીએ પણ બાળકીને પૈસા આપી પોતાના માટે બીડી-બાકસ મંગાવ્યા હતા. જ્યારે બાળકી આ બધી વસ્તુઓ લઈ પરત ફરતી વખતે શામજીના ઘરમાં બીડી-બાકસ દેવા ગઇ હતી.ત્યારે ઘરમાં એકલા રહેતા શામજી 8 વર્ષની માસુમ બાળાને જોતાં તે હેવાન બની ગયો હતો. તેણે બાળકીને ઘરમાં ખેંચી જઇ દરવાજો બંધ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું.અને આ અંગે કોઈને ખબર ન પડે તે માટે બાળકીની નિર્દયતાપૂર્વક હત્યા કરી લાશને કોથળામાં ભરી જંત્રાખડીમાં અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી હતી.બીજી તરફ બાળકીની માતાએ બાળકીની શોધખોળ કરતા બાળકીની લાશ મળી આવી હતી. આ સમગ્ર મામલે કોડીનાર પોલીસમાં જાણ કરતાં કોડીનાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. બનાવની ગંભીરતાને લઇ એએસપી ઓમપ્રકાશ જાટ જાતે તપાસ માટે જંત્રાખડી દોડી ગયા હતા અને આરોપીને ઝડપી લીધો હતો.આ સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. આ મામલે સ્થાનિકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં આરોપી નરાધમને ફાંસીની સજા મળે તેવી માંગ કરાઇ હતી.તો પરિવારે પણ ફાંસીની માંગ કરી હતી. આ સાથે કથાકાર મોરારિબાપુએ પણ જંત્રાખડી ગામે જઈને પીડિત પરિવારની મુલાકાત લઈ સાંત્વના આપી હતી.

આ પણ વાંચો : Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મેઘમહેર, સૌથી વધુ મહેસાણામાં ખાબક્યો વરસાદ

Read More

Trending Video