Gir Somnath : ગીર પંથકમાં ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો વધુને વધુ સળગતો બની રહ્યો છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લાના 196 ગામડાઓ ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો થોડા દિવસોમાં ગીરસોમનાથમાં મોટું સંમેલન પણ યોજવાની તૈયારી કરી રહ્યાં છે. ઇકો સેન્સિટિવ ઝોનના લીધે વનવિભાગની કનડગત વધશે, ખેતરની આજુબાજુના વૃક્ષો કાપી નહિ શકાય, ખેતરમાં બોર માટે પણ પરમિશન લેવી પડશે. આવી હાલાકીના લીધે ખેડૂતો સરકાર સામે પડ્યા છે. અને કોઈ પણ ભોગે ઇકો સેન્સિટિવ ઝોન અમારા વિસ્તારમાં નહિ લાગવા દઈએ એવું ખેડૂતો કહી રહ્યા છે. ત્યારે સરકારે અધિકારીઓ અને જિલ્લા કલેક્ટર સૂચના આપી છે, કે તેઓ ગામમાં જઈને ખેડૂતો અને ગામલોકો સાથે વાતચીત કરી તેમને સમજાવે. અને સ્થાનિક લોકોનો ઇકો સેન્સિટિવ ઝોન મામલે ગુસ્સો શાંત કરે. આજે ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ બોરવાવ ખાતે ગ્રામસભામાં પહોંચ્યા હતા.
દિગ્વિજય સિંહ આજે બોરવાવ પહોંચ્યા પછી, તેઓએ ગ્રામસભા પહેલા ગામની વિઝીટ કરી હતી, ત્યારે ગામલોકોએ કલેક્ટરનો વિરોધ કરી ઇકો સેન્સિટિવ ઝોન રદ કરો ના નારા લગાવ્યા હતા. પછી દિગ્વિજય સિંહએ પોતાની સાથે, જીઇબીના અધિકારી અને વનવિભાગના અધિકારી સાથે રાખી બોરવાવ ગામ અને આજુબાજુના 7 ગામના લોકો સાથે ઇકો સેન્સિટિવ ઝોન મામલે તેમના પ્રશ્નો સાંભળીને તેમને ઇકો સેન્સિટિવ ઝોન મામલે માહિતગાર કર્યા હતા. ખેડૂતોએ વનવિભાગના અધિકારીને ઉધડ઼ા લીધા અને કહ્યું, કે તમે ખેતરમાં અમને ખોટી હેરાન ગતિ કરો છો. અને વનવિભાગના લીધે ગામમાં રોડ પણ બની સકતા નથી.
ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ ભાજપના નેતાઓ કરી રહ્યાં છે. બોરવાવના સ્થાનિક ભાજપ નેતાએ કલેક્ટરની મુલાકાત પછી કહ્યું કે, ઇકો સેન્સિટિવ ઝોન અમે અમારા વિસ્તારમાં કોઈપણ ભોગે લાગુ થવા દઇશુ નહિ. અમે આટલા વર્ષોથી સિંહનું સંરક્ષણ કરી રહ્યા છીએ, તો ઇકો સેન્સિટિવ ઝોનની અમારા વિસ્તારમાં જરૂર નથી. હવે જોઈએ સરકારે જે ઇકો સેન્સિટિવ ઝોન મામલે અધિકારીઓની ફોજ જે ખેડૂતોને સમજાવવા ગામડાઓમાં ઉતારી છે,તેમના સમજાવવાથી શું ખેડૂતોનો વિરોધ શાંત થશે કે નહીં?
આ પણ વાંચો : Sihor Congress : ભાવનગરના સિહોરમાં ખરાબ રસ્તાઓથી જનતા ત્રસ્ત, કોંગ્રેસ દ્વારા રસ્તા પર કરાયા ઉગ્ર દેખાવ