Gir Somnath : ગીર સોમનાથમાં મકાન ડિમોલિશનની નોટિસ મળતા એક મહિલાએ આપઘાત કરી લીધો હતો. આ મામલો આપઘાત બાદ વધારે ચર્ચાનો વિષય બન્યો છે. હવે ગીર સોમનાથમાં આ મહિલાના મોતના મામલે કોંગ્રેસ નેતા વિમલ ચુડાસમા આગળ આવ્યા છે. જેને લઈને તેમણે કલેકટર પર આક્ષેપો કર્યા છે. અને આ પરિવારના લોકોને મદદ કરવા પણ સરકારને માંગ કરી છે.
ગીર સોમનાથમાં છેલ્લા 40 થી 45 વર્ષથી રહેતા મકાનને ખાલી કરાવવા અચાનક કલેક્ટર નોટિસ મોકલે છે. અને કહે છે કે એક અઠવાડિયામાં આ જગ્યા ખાલી કરી દેવી. આ નોટિસ મળ્યા બાદ આ મકાનમાં રહેતા માયાબેને 22 સપ્ટેમ્બરના રોજ પોતાના જ ઘરમાં ગાલે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરંતુ અહીંયા પ્રશ્ન એ છે કે, છેલ્લા 40 થી 45 વર્ષથી જે જગ્યાએ રહે છે તેને ખાલી કરાવવાનું સરકારને અત્યારે જઈને યાદ આવે છે. આટલા વર્ષોથી જે જગ્યા પર રહેતા પરિવારને અચાનક કેમ કલેક્ટર નોટિસ મોકલે છે. શું અત્યાર સુધી કોઈને યાદ નહોતું કે આ ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર કરેલ બાંધકામ છે ?
આ મામલે વિમલ ચુડાસમાએ શું કહ્યું ?
વેરાવળના કલેક્ટર દ્વારા માયાબેનનું મકાન તોડવાની નોટિસ મળતાં તેમને લાગી આવતા આપઘાત કર્યો છે. આ બેન ત્યાં 40-45 વર્ષથી રહેતા હતા. બેનને નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે, તા. 01-10-2024ના રોજ તમારુ મકાન તોડી પાડવામાં આવશે. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આ પ્રકારની નોટિસ આપીને સામાન્ય માણસોને હેરાન કરવામાં આવી રહ્યા છે. વરસાદની સિઝન હોય આ પ્રકારના ડીમોલેશન ના કરી શકાય. અને લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરીને ડીમોલેશન કરવું જોઈએ. આ કામગીરીથી લોકોના મનમાં ભય ઉભો થયો છે.
વધુમાં વિમલ ચુડાસમાએ જણાવ્યું કે, માયાબેને આત્મહત્યા કરતા પહેલા તેમના પાડોશીઓને જણાવ્યું હતું કે, જો મારું ઘર તોડી પાડવામાં આવશે. તો મારે ક્યાં જવાનું મારી પાસે હવે કોઈ વ્યવસ્થા નથી. કલેક્ટર, પ્રાંત અધિકારી તેમજ મામલતદાર દ્વારા અવાર-નવાર આ પ્રકારની નોટિસ આપીને લોકોને હેરાન કરવામાં આવે છે. જેથી લોકોમાં ભય ઉભો થયો છે. કલેક્ટર ગીર સોમનાથના ત્રાસથી આ મહિલાએ આત્મહત્યા કરી લીધી છે. અને આત્મહત્યા કરવાનું કારણ તેમનું ઘર તોડવામાં આવનાર હતું એટલે કર્યું છે.
વિમલ ચુડાસમાએ પીડિત પરિવાર માટે શું કરી માંગ ?
કલેક્ટર દ્વારા જ્યારે નોટિસ આપવામાં આવી ત્યારે આ લોકો મારી પાસે આવ્યા હતા અને તેમની વ્યથા જણાવી હતી. જેથી મેં કલેક્ટરને કહ્યું હતું કે, તમે આ લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરો પછી આ લોકોના ઘર તોડો. પરંતુ કલેક્ટર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ના આવી અને માયાબેનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કલેક્ટરના ત્રાસથી લોકોમાં ભય ફેલાયો છે. જેથી આ બાબતે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે, આ બેનના પરિવારને સહાય ચુકવવામાં આવે તેમજ રહેવા માટે ઘરનું ઘર અથવા પ્લોટ આપવામાં આવે તેવી માંગણી કરી છે.
આ પણ વાંચો : Geniben Thakor : ગેનીબેન ઠાકોર હવે OBC અનામત મામલે મેદાને, વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર, શું કરી માંગણીઓ ?