Gir National Park : ગુજરાતના ગૌરવ સમાન ‘એશિયાઈ સિંહ’ વર્ષોથી એશિયા ખંડમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના ‘ગીર રક્ષિત વિસ્તાર’માં વસવાટ કરતા જોવા મળે છે. ત્યારે આ સિંહો તેમજ વન્ય પ્રાણીઓના જતન માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. એશિયાઈ સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર તેમજ ગુજરાત સરકાર દ્વારા ટેકનોલોજીની મદદથી સતત અનેકવિધ નવીન પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા ‘ગીર રક્ષિત વિસ્તાર’ના આજુબાજુનો કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. નવીન ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ વિસ્તારમાં કુલ ૧૭ નદીઓના રીવર કોરીડોર અને સિંહોના અવર-જવર વાળા ૪ મહત્વના કોરીડોરને આવરી લેવામાં આવશે. આ વિસ્તારનો ઇકો-સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થવાથી આ વિસ્તારમાં વિહરતા સિંહ પરિવારોને વિશેષ રક્ષણની સાથે અત્યાર સુધી ગીર રક્ષીત વિસ્તારની હદથી ૧૦ કિલોમીટરની ઇકો-સેન્સીટીવ ઝોન વિસ્તારની હદમાં આ નવા ઇકો-સેન્સીટીવ ઝોનમાં ઘટાડો થવાથી સ્થાનિકે અન્ય વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે.
એશિયાઈ સિંહોના રક્ષણ માટે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય…#AsiaticLion #GirForest #Gujarat pic.twitter.com/jBYefLUH9A
— Gujarat Information (@InfoGujarat) September 25, 2024
વધુમાં ગીર રક્ષિત વિસ્તારની આજુબાજુ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વિસાવદર, માળીયા હાટીના અને મેંદરડા તાલુકાના મળી કુલ-59 ગામો, અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મળી કુલ-72 ગામો તથા ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર-સોમનાથ, કોડીનાર અને તાલાલા તાલુકાના મળી કુલ-65 ગામો એમ આ ત્રણેય જિલ્લાના કુલ-196 ગામોના 24,680.32 હેક્ટર વન વિસ્તાર તથા 1,59,785.88 હેક્ટર બિન-જંગલ વિસ્તાર એમ મળી કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે.
સિંહોના રક્ષણ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યના ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવાની રાજ્યના વન વિભાગ દ્વારા કેન્દ્ર દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્તને પગલે ભારત સરકાર દ્વારા તાજેતરમાં ઇકો-સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.