Geniben Thakor : સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, “નુકસાનીના વળતરની તાત્કાલિક વ્યવસ્થા કરવા કરી માંગ”

September 2, 2026

Geniben Thakor : વરસાદ પાછો ખેંચાતા બનાસકાંઠા સહિત રાજ્યના ઓછા વરસાદવાળા વિસ્તારોમાં ઉભી થયેલી પરિસ્થિતિને પગલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવાની માંગ કરી છે. ઓછો વરસાદ નોંધાયેલા તાલુકાઓને તુરંત અછતગ્રસ્ત જાહેર કરી ખેડૂતો અને પશુપાલકોને જરૂરી સહાય પૂરી પાડવા તેમણે રજૂઆત કરી છે.

પીવાના અને સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવા માંગ

ગેનીબેન ઠાકોરે અછતગ્રસ્ત વિસ્તારોમાં પીવાના પાણીની અછત ન સર્જાય તે માટે ટેન્કર મારફતે પાણી પહોંચાડવાની માંગ કરી છે. સાથે જ નર્મદા કમાન્ડ વિસ્તાર હેઠળ સિંચાઈ માટે તાત્કાલિક પાણી છોડવામાં આવે તેમજ જ્યાં સિંચાઈના પાણીની અછત છે ત્યાં જરૂરી વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

પશુપાલકો માટે ઘાસચારો-પશુઆહારની વ્યવસ્થા

વરસાદની અછતના કારણે પશુપાલન ક્ષેત્રને પણ અસર થવાની સંભાવના વ્યક્ત કરતાં સાંસદે અછતગ્રસ્ત વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં ઘાસચારો અને પશુઆહાર ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. પશુધનને બચાવવા માટે તંત્ર દ્વારા આગોતરી વ્યવસ્થા કરવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે.

Geniben Thakor

મનરેગા હેઠળ નવા કામો શરૂ કરવા માંગ

ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો ઊભી કરવા અને લોકોનું સ્થળાંતર અટકાવવા મનરેગા હેઠળ તાત્કાલિક નવા કામો શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. વરસાદ ખેંચાતા ખેડૂતો અને ખેતમજૂરોની આવક પર અસર પડી શકે છે, ત્યારે સ્થાનિક સ્તરે રોજગારી ઉપલબ્ધ કરાવવી જરૂરી હોવાનું ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે.

પાક નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવવા માંગ

વરસાદ ખેંચાવાને કારણે પાકને થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને પાક નિષ્ફળતાનું યોગ્ય વળતર અને સરકારી સહાય ચૂકવવામાં આવે તેવી પણ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પાણી, ઘાસચારો, રોજગારી અને ખેડૂતોને આર્થિક સહાય સહિતની રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે ગેનીબેન ઠાકોરે સરકારનું ધ્યાન દોર્યું છે.

આ પણ વાંચોNepal ના પૂરમાં બચેલા એકમાત્ર ઘરના રહેવાસીઓ કેવી રીતે બચ્યા ? જાણો તેમના મોઢે એ પરિસ્થિતિની આપવીતી

Read More

Trending Video