Geniben Thakor : ગુજરાતમાં ભાજપના ક્લીન સપના પર પાણી ફેરવીને ગેનીબેને ગુજરાતમાં લોકોના દિલ જીતી લીધા છે. આ બનાસની સિંહણે ન માત્ર બનાસકાંઠા (Banaskantha)માં પરંતુ સમગ્ર ગુજરાતમાં પોતાનો જલવો દેખાડી દીધો છે. ગુજરાતમાં કોંગ્રેસ (Congress)ને માત્ર એક જ સીટ મળી અને તેના પર ગેનીબેન (Geniben Thakor)નો ભવ્ય વિજય થયો. જયારે આ બેઠક પર મતગણતરી ચાલી રહી હતી ત્યારે તેમાં ઘણો રસાકસી ચાલી હતી. જીત કે હાર અંત સુધી નક્કી કરવી મુશ્કેલ હતી. પરંતુ આખરે ગેનીબેન ઠાકોર મેદાન મારી ગયા અને રેખા ચૌધરી હારી ગયા. ગેનીબેન ઠાકોરના જીત્યા બાદ હવે સન્માન અને વધામણાનો દૌર ચાલી રહ્યો છે.
કાર્યકર્તાઓ અને આગેવાનો પહોંચ્યા સન્માન કરવા
બનાસકાંઠા જિલ્લા લોકસભાની ચૂંટણી કૉંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર જીત્યા છે. જે બાદ વહેલી સવારથી કાર્યકરો ફુલહાર અને સાલ આપી સન્માન કરવા પહોંચ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ ગેનીબેન ઠાકોરનું મોં મીઠું કરાવ્યું હતું. સાથે જ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, આ ચૂંટણી કૉંગ્રેસ ભાજપ નહીં પણ બનાસકાંઠાને આઝાદી તાનાશાહીમાંથી મુક્તિ માટેની ચૂંટણી હતી અને તેમાં વિજય થયો છે. એટલે હવે લોકો જાગી ગયા છે. વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે પણ સંગઠનને મજબૂત કરવા માટે ખાસ ટકોર કરી હતી. જ્યારે પાર્ટી ચૂંટણી લડશે ત્યારે ચૂંટણી મેદાનમાં આવશે અને જન આશીર્વાદ મળશે વાવ તેમજ બનાસકાંઠા વિસ્તાર કાયમી માટે કોંગ્રેસ વિચારધારા વાળો છે. જે ખોટા હોય તેમને ખોટા કહેવા જોઈએ નાના કાર્યકરોને સપોર્ટ કરવો જોઈએ. સાથે જ જવાબદારી વાળી કામગીરી આવે ત્યારે મેં પાર્ટીની વફાદારી સાથે કામગીરી કરી છે.
ગેનીબેન ઠાકોર પહોંચ્યા નડેશ્વરી માતાના દર્શને
ગુજરાતના બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જીત્યા બાદ નડાબેટ પહોંચ્યા હતા. ગેનીબેને નડેશ્વરી માતાના આશીર્વાદ લીધા હતા. સાથેજ ગેનીબેન ઠાકોર દર્શન કર્યા બાદ કાર્યકરો સાથે આરતીમાં પણ જોડાયા હતા. નડેશ્વરી માતાના સાનિધ્યમાં ગેનીબેન ઠાકોરે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. ગેનીબેને પોતાની પ્રજાનું કલ્યાણ અર્થે પ્રાર્થના પણ કરી હતી.