Geniben Thakor : વાવની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો ધુંઆધાર પ્રચાર, ગેનીબેને ગુલાબસિંહને આડકતરી રીતે શું કહી દીધું ?

November 7, 2024

Geniben Thakor : બનાસકાંઠાની વાવ વિધાનસભાની બેઠક પર અત્યારે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર આગામી 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ત્રણેય પક્ષ પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વાવમાં જયારે હવે પેટાચૂંટણીને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે હવે કોંગ્રેસના નેતાઓ ધુંઆધાર પ્રચાર કરી રહ્યા છે. સાથે જ ઠાકોર સમાજ, અને દલિત સમાજના કાર્યક્રમમાં જઈને મત માંગી રહ્યા છે. ત્યારે આજે વાવમાં કોંગ્રેસ દ્વારા દલિત સમાજના કાર્યક્રમમાં કોંગ્રેસ નેતાઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, સાંસદ ગેનીબેન ઠાકોર, અને જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. સાથે જ સભાને સંબોધન કર્યું હતું. ત્યારે ગેનીબેને ગુલાબસિંહને લઈને એક મોટું નિવેદન આપ્યું હતું.

આ સંમેલનમાં ગેનીબેને સંબોધન કરતા કહ્યું કે, આ વાવનું ખેતર ગુલાબભાઈને કાયમ માટે લખી આપ્યું નથી. ત્રણ વર્ષ માટે ગીરવી આપ્યું છે. અને ગુલાબ ભાઈ ને કહ્યું કે, ત્રણ વર્ષ પછી જ્યાં જવું હોય ત્યાં જજો. અને તમારે રેવા દેવા હોય તો રેવા દેજો. ત્રણ વર્ષ પછી ખેતર છૂટું કરી દઈશું. અને આપણા વિસ્તારમાથી કોઈ નવું નેતૃત્વ કરશે. ચૂંટણીનું પરિણામ આવે ત્યારે વાયનાડ થી લઈને વાવ સુધી ફટાકડા ફૂટે તેવું કરજો.

ગેનીબેને ગુલાબસિંહને આડકતરી રીતે કહી દીધું કે, ગુલાબસિંહ પછીની વિધાનસભા ચૂંટણી નહિ લડે. અને આપણા જ વિસ્તારમાંથી કોઈ ઉમેદવાર 2027ની વિધાનસભાની ચૂંટણી લડશે. ત્યારે આ નિવેદને ફરી એક વાર ચર્ચાઓ જગાવી છે કે શું હવે ગુલાબસિંહને માત્ર આ એક જ ટર્મ પૂરતા લાવવામાં આવી રહ્યા છે. શું એ ત્યારબાદ કોઈ પણ ચૂંટણીમાં ઉમેદવારી નહિ કરે ? ત્યારે જોવાનું રહ્યું કે આ ચૂંટણીમાં ક્યાં પક્ષનું વર્ચસ્વ રહેશે.

આ પણ વાંચોAlpesh Thakor : વાવમાં ભાજપને જીતાડવા અલ્પેશ ઠાકોર મેદાને, કહ્યું, કોંગ્રેસને મત આપી તમારો મત વેડફો નહિ

Read More

Trending Video