Ganesh Gondal : ગોંડલના ખુબ જ ચકચારી રાજકુમાર જાટ કેસમાં આજે ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલના નાર્કોટેસ્ટની કાર્યવાહી ચાલી રહી છે. જે અંતર્ગત ગણેશ ગોંડલની અલગ અલગ મેડિકલ તપાસ પૂર્ણ કરવામાં આવી છે. તેવું હાલ જાણવા મળી રહ્યું છે. આ મામલામાં સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુને હાઇકોર્ટ દ્વારા તપાસ સોંપવામાં આવી છે. જે અંતર્ગત ગણેશ ગોંડલના નાર્કોટેસ્ટ માટે SP પ્રેમસુખ ડેલુએ રજૂઆત કરી હતી અને જે મામલે કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. હાલ ગણેશ ગોંડલની મેડિકલ તપાસ પૂર્ણ થઇ ગઈ છે તેવું જાણવા મળી રહ્યું છે. નાર્કોટેસ્ટ બાદ આ કેસમાં નવા ખુલાસાઓ થવાની પણ સંભાવના છે.
આ સમગ્ર મામલો ગત 9 માર્ચે સામે આવ્યો હતો. જેમાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ જાડેજા પર રાજકુમાર જાટ નામના યુવકને પોતાના ઘરમાં માર મારવાનો મામલો સામે આવ્યો હતો. જે બાદ રાજકુમાર જાટ તેના ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. અને રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે હવે ગણેશ ગોંડલનો આજે 11 ડિસેમ્બરે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ સાથે જ હવે ગાંધીનગર ખાતે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં ગણેશનો નાર્કોટેસ્ટની કાર્યવાહી ચાલી રહી છે.
નાર્કોટેસ્ટ શું છે ?
નાર્કો-વિશ્લેષણ પરીક્ષણમાં, સોડિયમ પેન્ટોથલ નામનું દવા આરોપીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. આ દવા સંમોહન અથવા બેભાન અવસ્થાને પ્રેરે છે, કલ્પનાને બેઅસર કરે છે. આ સંમોહન અવસ્થામાં, આરોપી જૂઠું બોલવા માટે અસમર્થ માનવામાં આવે છે અને તેની પાસેથી સાચી માહિતી જાહેર કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.