Ganesh Gondal Case : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગણેશ ગોંડલનો કેસ ચર્ચાનો વિષય બન્યો છે. જૂનાગઢના દલિત યુવકને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલ સહીત તેના 11 સાથી અત્યારે જેલમાં બંધ છે. ત્યારે હવે આ મામલે દલિત સમાજ પણ રોષે ભરાયો છે. દલિત સમાજ સાથે થતા અત્યાચાર મામલે સરકાર પાસે ન્યાયની માંગણી સાથે થોડા દિવસ પહેલા સરકારના પ્રતિનિધિ રાજકુમાર પાંડિયન સાથે બેઠક કરી હતી. હવે આ મામલે આજે દલિત સમાજના આગેવાનો પોતાની માંગણીઓ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરવાના છે. ત્યારે આ બેઠકમાં દલિત સમાજ શું માંગણીઓ કરવાનો છે તે જોઈએ…
- ગણેશ ગોંડલનો કેસ ચાલી રહ્યો છે. પરંતુ એક વાર તેના જામીન ફગાવી દેવામાં આવ્યા છે. હવે આ મામલે જયારે પણ સુનાવણીની તારીખો આવી ત્યારે તે મામલે નવી તારીખો પડી છે. સાથે જ સંજય સોલંકીએ આ મામલે વાંધા અરજી દાખલ કરી હતી અને જેને પગલે તેણે કહ્યું હતું કે મને ગણેશ ગોંડલથી ખતરો છે. ત્યારે દલિત સમાજે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને તેના પર જલ્દી જ સજા જાહેર કરવામાં આવે તેવી માંગણી કરી છે.
- દલિત યુવક સંજય સોલંકીને માર મારી અને તેનો વિડીયો જે મોબાઈલમાં બનાવાવમાં આવ્યા તે મોબાઇલ હજુ સુધી જપ્ત કરવામાં આવ્યા નથી તે પણ જપ્ત કરવામાં આવે. સાથે જ હવે આ કેસમાં જે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે પણ પોલીસ પોતાના કબ્જામાં લે તેવી માંગ દલિત સમાજ દ્વારા કરવામાં આવી છે.
- આ સાથે જ આ કેસમાં દલિત સમાજનું માનવું છે કે આ કાવતરું ઘડનાર જયરાજસિંહ જાડેજા છે તેના વિરુદ્ધ પણ કલમ 120 B હેઠળ ફરિયાદ નોંધી અને તેની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
- રાજ્યમાં SC/ST ને લગતા કાયદા પર વધારે ભાર મુકવામાં આવે. જેથી દલિત સમાજ સાથે થતો અત્યાચાર અટકે અને 1989 SC-ST એક્ટ જે અત્યારે લાગુ નથી કરવામાં આવેલો તેને લાગુ કરવામાં આવે.
- રાજ્યમાં 1962માં જે ભૂ-આંદોલન ચાલ્યા તેમાં SC-STના લોકોની જમીનના માત્ર દસ્તાવેજ જ મળ્યા પરંતુ તેનો કબ્જો હજુ આપવામાં આવ્યો નથી. આ જમીનનો કબ્જો તે લોકોને આપવામાં આવે તેવી માંગ પણ તેમને ઉચ્ચારી છે.
- રાજ્યમાં દલિત સમાજ પર અત્યાચારને લઈને સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવી છે. છતાં પણ તે કોર્ટ એક્ટિવ છે નહિ. જેથી દલિત સમાજની માંગ છે કે આ સ્પેશિયલ કોર્ટ એક્ટિવ કરવામાં આવે અને દલિત પર અત્યાચારના દરેક મામલાઓ તેમાં ચલાવવામાં આવે.
- અત્યાર સુધીમાં દલિત આંદોલન થયા તેમાં જે દલિતો સામે કેસ નોંધવામાં આવ્યા છે, તે લોકો પરથી કેસ પાછા ખેંચવામાં આવે. તેવી માંગ દલિત સમાજ દ્વારા કરવામાં આવી છે.
ગણેશ ગોંડલ કેસ બાદ દલિત સમાજ હવે આકરા પાણીએ છે. દલિત સમાજ હવે પોતાના હક્કોને લઈને અને સમાજ સામે થતા અત્યાચારને લઈને મેદાને આવી ગયો છે. ત્યારે હવે આજે ગૃહ રાજ્યમંત્રી સામે તેઓ પોતાની માંગણીઓ મુકવાનો છે. જે બાદ તેમની કેટલી માંગણીઓ સ્વીકારવામાં આવે છે અને કેટલી માંગણીઓને ફગાવી દેવામાં આવે છે તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો : Surat : સુરતમાં કાદવમાં પગ ગંદા ન થાય તે માટે ડેપ્યુટી મેયર ઓફિસરના ખભા પર ચડી ગયા, ફોટા થયા વાયરલ