Gandhinagar: ગાંધીનગરમાંથી (Gandhinagar) એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ગાંધીનગરના સેક્ટર-30માં સાબરમતી નદી (Sabarmati river) પાસે દશામાંની મૂર્તિ વિસર્જન (Dashama idol ) દરમિયાન કિશોરીને બચાવવા જતા ત્રણ લોકોના પાણીમાં ડુબવાથી મોત નિપજ્યા છે. જ્યારે સ્થાનિક લોકો દ્વારા અન્ય બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મૃતકોમાં 2 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે.
ગાંધીનગરમાં દશામાંની મૂર્તિ વિસર્જન વખતે દુર્ઘટના
ઘટનાની મળતી માહિતી મુજબ ગઈ કાલે દશામાંના વ્રત પુર્ણ થતાં જાગરણ કરી સવારે અમદાવાદનો એક પરિવાર દશામાતાજીની મૂર્તિ વિસર્જન કરવા ગાંધીનગરના સેક્ટર – 30 સાબરમતી નદીમાં આવ્યો હતો. ત્યારે મૂર્તિ વિસર્જન કરતી વેળાએ એક પરિવારની બાર વર્ષની પૂનમ પ્રજાપતિ નામની કિશોરી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.જેને બચાવવા એક પછી એક ચાર લોકોએ પાણીમાં કૂદા હતા. ત્યારે પાણી ઉંટું હોવાને કારણે આ 4 લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ જોતા આજુબાજુના લોકો દોડી આવ્યા અને પાણીમાંથી બે લોકોને બચાવી લીધા જ્યારે 3 લોકો પાણીમાં ડુબી જવાથી મૃત્યું પામ્યા છે.
દુર્ઘટનામાં બે મહિલાઓ અને એક પુરુષનું મોત
આ અંગે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમેને જાણ કરતા ફાયરની ટીમ પણ અહીં આવી પહોંચી હતી અને નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને બે મહિલાઓ અને એક પુરુષના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારે આ અંગે જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક વિગતો મુજબ આ દુર્ઘટનામાં અજય વણઝારા (અમરાઈવાડી), ભારતીબેન પ્રજાપતિ અને પૂનમ પ્રજાપતિનું મોત નિપજ્યું છે.
આ પણ વાંચો : હે રામ! ચોરોએ અયોધ્યાને પણ ન છોડી, રામપથ અને ભક્તિપથ પર લગાવેલી હજારો લાઈટો ચોરી ગયા