GANDHINAGAR : ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તેમજ અન્ય કર્મચારી મંડળો દ્વારા આજ રોજ વિવિધ પડતર માંગણીઓને લઇને પેન ડાઉન (Pendown movement) , શટ ડાઉન, ચોક ડાઉન કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ સરકારે પણ વિરોધને લઇને મતદાન અને પેનડાઉન કરનાર કર્મચારીઓ (government employees) સામે કાર્યવાહીના પણ આદેશ આપ્યા છે. આમ જૂની પેન્શન યોજનાને (Old Pension Scheme) લઈને સરકાર અને કર્મચારી યુનિયનો સામસામે આવી ગયા છે.
સરકારના કર્મચારીઓનું આજે પેનડાઉન આંદોલન
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી સમયે પણ આ મામલે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ તે આંદોલન ઝડપથી પૂર્ણ થઇ ગયું હતું. ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા જૂની પેન્શન યોજના સહિતના શિક્ષકોના પડતર પ્રશ્નો મામલે સંઘ સાથે જોડાયેલી સંસ્થા પેન ડાઉન અને ચોક ડાઉન કરી આંદોલનની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી. તેઓએ ગાંધીનગરમાં બેઠક યોજી આગામી સમયમાં સરકાર સામે આંદોલન કરવાની રણનીતિ તૈયાર કરી હતી. જેમાં સંયુક્ત મોરચા સાથે જોડાયેલા ગુજરાતના 8.50 લાખ શિક્ષકો અને કર્મચારીઓના હિતમાં મહામતદાન, ઓનલાઇન કામગીરીથી અડગા રહી ચોક ડાઉન અને પેન ડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં એવું પણ નક્કી કરવામા આવ્યું હતુ કે, જો 6 માર્ચના આંદોલન બાદ પણ પડતર પ્રશ્નો નહીં ઉકેલાય તો 9 માર્ચના રોજ ગાંધીનગર ખાતે મહાપંચાયત યોજાશે જેમાં મેસેજ ધ્વજ પતાકા સાથે સમગ્ર ગુજરાતના 1 લાખથી વધુ શિક્ષકો અને કર્મચારીઓ ભગવા વસ્ત્રો, ખેસ, સાફા પહેરી ગાંધીનગર ઉમટી પડશે.
કર્મચારીઓને સરકારે આપી ચેતવણી
બીજી તરફ સરકારના કર્મચારીઓના પેનડાઉન આંદોલન મામલે રાજ્યનો સામાન્ય વહીવટ વિભાગ એકશનમાં આવ્યો છે. આ મામલે ગુજરાત સરકારના સમાન્ય વહીવટ વિભાગના ઉપસચિવ આદિત્ય દેસાઇ દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, પેન ડાઉન કરનારા સરકારી કર્મચારીઓને ફરજ ઉપર હાજર રહે. અને જો કામ નહીં કરો તો નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.