Gandhinagar : આજે ગાંધીનગર ખાતે પાટીદાર આગેવાનો અને સરકાર વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ પાટીદાર આગેવાનોએ જણાવ્યું હતું કે, સરકાર સમક્ષ લગ્ન નોંધણી પ્રથા અને આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટેના અનામત મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં બોગસ લગ્ન નોંધણીના કેસો સામે આવ્યા છે. જે બાદ પાટીદારોએ આજે સરકાર સાથે બેઠક કરી હતી. અને આ મામલે પગલાં લેવા રજૂઆત કરી હતી.
લગ્ન નોંધણી રેકેટ મામલે સરકાર સમક્ષ ફરિયાદ
આ મામલે દિનેશ બાંભણીયાએ જણાવ્યું કે, લગ્ન નોંધણીમાં મોટાપાયે ગેરરીતિઓ અને તલાટીઓ દ્વારા બોગસ નોંધણીઓના રેકેટની ફરિયાદો સરકાર સમક્ષ મુકવામાં આવી છે. તેમણે કહ્યું કે, લગ્નની નોંધણી આધારકાર્ડના સરનામે જ થવી જોઈએ. લગ્ન પહેલાં માતા-પિતાને વાંધા રજૂ કરવાની સમય મર્યાદા મળવી જોઈએ. તમામ લગ્ન નોંધણી પ્રક્રિયા ઓનલાઈન થવી જોઈએ. સાથે જ ગૃહમંત્રીએ બેઠકમાં ખાતરી આપી કે, બોગસ નોંધણીમાં સંડોવાયેલા તલાટીઓ સામે કડક પગલાં લેવામાં આવશે. તેમજ નવા કાયદા માટે આશ્વાસન આપવામાં આવ્યું છે.
ચૂંટણી પહેલાં EWS અનામત મામલે રજૂઆત
વરૂણ પટેલે જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં EWS કેટેગરીને અનામત આપવાની માંગણી પણ સરકાર સમક્ષ કરવામાં આવી છે. હાલમાં શિક્ષણ અને રોજગારમાં જ આર્થિક અનામત લાગુ છે. સરકારે ઝવેરી કમિશન, હાઇકોર્ટ અને સુપ્રીમના ચુકાદાનો અભ્યાસ કરીને યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી છે. આગેવાનોને આશા છે કે, સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણી પહેલાં EWS અનામત લાગુ કરવામાં આવશે.