Gandhinagar : આજે ગાંધીનગર ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે પહોંચ્યા હતા. ગાંધીનગર બિરસા મુંડા ભવન ખાતે આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મામલે આવેદન આપવા પહોંચ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી વિદ્યાર્થીઓની ઉચ્ચ અભ્યાસ માટેની શિષ્યવૃત્તિ મુદ્દે બિરસા મુંડા ભવન ખાતે રજૂઆત કરી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખીને ઉચ્ચ અભ્યાસની શિષ્યવૃત્તિ ફરી શરૂ કરાવવા માંગ કરી છે.

ચૈતર વસાવાએ શું કહ્યું ?
આ મામલે ચૈતર વસાવાએ કહ્યું કે, ગયા વર્ષે ભાજપ સરકારે આદિવાસી વિદ્યાર્થીઓની ઉચ્ચ અભ્યાસની શિષ્યવૃત્તિ બંધ કરી, જેનાથી 60000 વિદ્યાર્થીઓ પર ખરાબ અસર પડી છે. અગાઉ પણ અમે બિરસા મુંડા ભવનનો ઘેરાવ કર્યો અને વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. સરકારે આ સ્કોલરશીપ ફરી શરૂ કરવા માટે જાહેરાત તો કરી પરંતુ આજ દિન સુધી એક પણ વિદ્યાર્થીને સ્કોલરશીપ મળી નથી. વર્ષ 2024-25ના વિદ્યાર્થીઓને અને આ ચાલુ વર્ષના વિદ્યાર્થીઓને પણ સ્કોલરશીપ મળવી જોઈએ.
વધુમાં તેમણે કહ્યું કે, જો 15 દિવસમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં નહીં આવે તો 9 ડિસેમ્બરે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખીને સચિવાલય અને બિરસા મુંડા ભવનનો ઘેરાવો કરીશું. અમારો સવાલ છે કે ખૂબ જ મોટું આદિજાતિ વિકાસનું બજેટ હોવા છતાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં નથી આવતી તો પછી આદિજાતિ વિકાસનું બજેટ વપરાય છે ક્યાં? શું આદિજાતિ વિકાસનું બજેટ સરકારના તાઈફાઓમાં અને પોસ્ટર બેનરોમાં વપરાઈ જાય છે?
આ પણ વાંચો : Junagadh : ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાનો વિડીયો વાયરલ, કહ્યું “ભરતીમાં વારંવાર પેપરલીક થવાથી યુવાનો હતાશ”