Gandhinagar: ગઈ કાલે દહેગામ (Dehgam) તાલુકાના વાસણા સોગઠી ગામે (Vasana Soghathi village) મોટી કરુણાંતિકા સર્જાઈ હતી જેમાં ગણેશ વિસર્જન ( Ganesh immersion) દરમિયાન મેશ્વો નદીમાં (Meshvo river) આઠ લોકોના ડૂબી જવાથી મોત થતા ચકચાર મચી ગઈ છે. ત્યારે આજે સવારે વાસણા સોગઠી ગામે રોકકળ અને કરુણ દ્રશ્યો સર્જાયા એક સાથે આઠ લોકોના સ્મશાન યાત્રા નિકળતા આખું ગામ હિબકે ચડ્યું હતું.
એક સાથે આઠ યુવકોની અંતિમ યાત્રા નિકળતા ગામ હિબકે ચઢ્યું
એક સાથે આઠ યુવકોની સ્મશાન યાત્રા નીકળતા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. આ સ્મશાન યાત્રામાં દહેગામના ધારાસભ્ય બલરાજ સિંહ ચૌહાણ સાંસદ હસમુખભાઈ પટેલ સહિતના રાજકીય આગેવાનો અને મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતના સરકારી તંત્રના અધિકારીઓ પણ આ યુવકોની અંતિમયાત્રામાં જોડાયા હતા. આ દરમિયાન સાંસદ હસમુખ પટેલે આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામનાર યુવાનોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડ માંથી સહાય મળી રહે તે માટે રજૂઆત કરનાર હોવાનું પણ જણાવ્યું હતું.
શુક્રવારે શું બની હતી ઘટના ?
ઉલ્લેખનીય છે કે, ગત રોજ શુક્રવારે વાસણા સોગઠી ગામ પાસેની મેશ્વો નદીમાં કેટલાક લોકો ગણેશ વિસર્જન કરવા માટે આવ્યા હતા આ દરમિયાન નદીમાં નાહ્વા પડેલા 10 યુવાનો ડૂબ્યા હતા. ત્યારે ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને શોધખોળ હાથ ધરી હતી.આ દરમિયાન 2 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.જ્યારે 8 લોકોના ડુબી જવાથી મોત નિપજ્યા હતા. આ મૃતક આઠેય લોકો એક જ ગામના અને એક જ ફળિયાના છે.જાણવા મળી રહયું છે કે પહેલા એક યુવક ડૂબ્યો હતો અને બાકીના લોકો તેને બચાવવા માટે પડ્યા હતા અને તેઓ પણ પાણીમાં ગરકાવ થયા હતા. ત્યારે આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.