AAP Leader Manoj Sorathiya News: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી Manoj Sorathiyaએ એક મહત્વપૂર્ણ એલાન કરતા જણાવ્યું હતું કે, અગાઉ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જે ગુજરાત જોડો મહા સભાઓનું એલાન કર્યું હતું તે તમામ સભાઓ હવે આવતીકાલથી એટલે કે 1 ઓગસ્ટના રોજથી શરૂ થશે. આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં સભાઓનું આયોજન કરવા જઈ રહી છે અને બે મહિના સુધી સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓથી લઈને સ્થાનિક નેતાઓ અને વોર્ડ પ્રમુખો સભાઓનું આયોજન કરશે.
1 ઓગસ્ટના રોજ અમદાવાદ, સુરત, ગાંધીનગર, વડોદરા, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, દાહોદ, પાટણ, સાબરકાંઠા, જામનગર, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભરૂચ, નવસારી અને વલસાડમાં સભાઓનું આયોજન કરવામાં આવશે અને મોટી સંખ્યામાં લોકોને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, ધારાસભ્ય હેમંત ખવા, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, જાણીતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં નેતાઓ પણ આ તમામ સભાઓમાં ભાગ લેશે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ એક આહવાન કર્યું હતું કે વધુમાં વધુ યુવાઓ આમ આદમી પાર્ટીમાં જોડાય કારણકે ભાજપ અને કોંગ્રેસ યુવાઓને તક નહીં આપે, માટે અમે ઈચ્છીએ છીએ કે જે લોકો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત લડવા માંગતા હોય તેવા હજારો યુવાનોને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવશે. આ બે મહિના સુધી ચાલનારા કાર્યક્રમમાં લાખો ગુજરાતીઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે. જે લોકો ગુજરાત સરકારની ભ્રષ્ટ સિસ્ટમથી થાકી ગયા છે, ભ્રષ્ટાચાર અને ગુંડાગર્દી અને ધાકધમકીથી થાકી ગયા છે એવા તમામ લોકોને અમે આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે અપીલ કરીએ છીએ. હું યુવાનોને પણ અપીલ કરીશ કે બે-અઢી મહિના સુધી ચાલનારા અભિયાનમાં વધુમાં વધુ યુવાનો જોડાય. આ બે મહિના દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ 15 દિવસથી એક મહિના સુધી એમ અલગ અલગ જિલ્લાઓમાં ટુર કરશે અને સભાઓમાં ભાગ લેશે.