Kangana Ranaut on farmers law : ભારતીય જનતા પાર્ટી (BJP)ની લોકસભા સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે (Kangana Ranaut) ત્રણ રદ્દ કરાયેલા કૃષિ કાયદાઓ પર પોતાનું નિવેદન પાછું ખેંચ્યું છે.આ નિવેદનને કારણે તે ચારે બાજુથી ઘેરાઈ ગઈ હતી. જ્યારે વિપક્ષી પાર્ટીઓ કંગના પર નિશાન સાધી રહી હતી ત્યારે બીજેપીએ કંગનાના નિવેદનથી દૂરી લીધી હતી અને પાર્ટીએ તેને તેમનું અંગત નિવેદન ગણાવ્યું હતું. આવી સ્થિતિમાં વિવાદ વધ્યા બાદ હવે કંગનાએ પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું છે.
કૃષિ કાયદા નિવેદન પર કંગનાનો યુ-ટર્ન
કંગનાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને જણાવ્યું હતુ કે, “છેલ્લા કેટલાક દિવસોમાં મીડિયાએ ખેડૂત કાયદાને લગતા કેટલાક પ્રશ્નો પૂછ્યા અને મેં સૂચન કર્યું કે ખેડૂતોએ વડાપ્રધાનને ખેડૂત કાયદો પાછો લાવવા વિનંતી કરવી જોઈએ. જોકે મારા આ નિવેદનથી ઘણા લોકો નિરાશ થયા છે. જ્યારે આ કાયદો લાવવામાં આવ્યો ત્યારે ઘણા લોકોએ તેનું સમર્થન કર્યું હતું, પરંતુ આપણા વડા પ્રધાને ખૂબ જ સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે તેને પાછો ખેંચી લીધો હતો.કંગનાએ વધુમાં કહ્યું કે,“મારે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે હું હવે કલાકાર નથી પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું. મારા મંતવ્યો મારા પોતાના ન હોવા જોઈએ, મારા પક્ષનું સ્ટેન્ડ હોવું જોઈએ. મારા શબ્દોથી કે મારા વિચારોથી કોઈને નિરાશ કર્યા હોય તો મને માફ કરશો. હું મારા શબ્દો પાછા લઉં છું.”
Do listen to this, I stand with my party regarding Farmers Law. Jai Hind 🇮🇳 pic.twitter.com/wMcc88nlK2
— Kangana Ranaut (@KanganaTeam) September 25, 2024
કંગનાના નેવદનથી ભાજપે બતાવી હતી દૂરી
ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં કંગનાએ એમ કહીને વિવાદ ઉભો કર્યો હતો કે સરકારે ખેડૂતોના લાંબા વિરોધ પછી પાછા ખેંચાયેલા ત્રણ કૃષિ કાયદાઓને પાછા લાવવું જોઈએ. ભાજપે તેમના નિવેદન પર પ્રતિક્રિયા આપી અને તેને વ્યક્તિગત નિવેદન ગણાવ્યું. બીજેપી નેતા ગૌરવ ભાટિયાએ કહ્યું, “કેન્દ્ર સરકાર દ્વારા પાછી ખેંચવામાં આવેલા કૃષિ બિલ પર બીજેપી સાંસદ કંગના રનૌતનું નિવેદન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યું છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ નિવેદન તેણીનું અંગત નિવેદન છે અને તે ભાજપ વતી આ પ્રકારનું નિવેદન આપવા માટે અધિકૃત નથી અને તે કૃષિ બિલ પર ભાજપનો અભિપ્રાય દર્શાવતું નથી.
કંગનાના નિવેદનને લઈને કોંગ્રેસને ભાજપ પર કર્યા હતા પ્રહાર
કોંગ્રેસે આ મામલે ભાજપને ઘેરી હતી અને કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો હતો કે, ભાજપના સાંસદો આ કાયદાઓને પાછા લાવવાની યોજના બનાવી રહ્યા છે. તેમજ કંગનાએ અગાઉ ખેડૂતોને આતંકવાદી કહ્યા હતા અને અવાર નવાર ખેડૂતો માટે અપમાનજનક નિવેદનો આપે છે છતા ભાજપ મૌન છે તેમ કહી ભાજપ સરકારને ઘેરી હતી.