ગુજરાતના સૌથી મોટા માર્કેટયાર્ડ ગોંડલમાં સતત બીજા દિવસે ખેડૂતોનુ વિરોધ પ્રદર્શન યથાવત છે. ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે ખેડૂતોમાં રોષ ફાટી નિકળ્યો છે. આજે બપોર સુધીમાં માર્કેટ યાર્ડ સતાધીશો ખેડૂતોના પ્રશ્નોને વાચા ન આપતા ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શ કરી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. આ દરમિયાન પોલીસે આંદોલનન કરનારા 6 થી 7 ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી.
ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો વિરોધ
રાજ્ય સરકાર દ્વારા ડુગળીની નિકાસ પર પ્રતિબંધ મુકી દેવાતા ડુંગળીના ભાવ તળીયે પહોંચ્યા છે. ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને ખેડૂતો દ્વારા તેનો વિરોધ પણ કરવામા આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના સૌથી મોટા માર્કેડિંગ યાર્ડમાં પણ ગઈ કાલથી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતો દ્વારા રોડ પર મોટી સંખ્યામાં ડુંગળીના જથ્થાને રોડ પર ફેંકી દીધો હતો. ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સતત બીજા દિવસે પણ ડુંગળીના ભાવ મુદ્દે વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યું છે. આજે બપોર સુધીમા પણ માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોના પ્રશ્નોને વાચા નહીં આપતા ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.
ડુંગળીના ઢગલા કરી ચક્કાજામ
મહત્વનું છે કે, દેશમાં ડુંગળીના ભાવ વધવા લાગતા સરકારે તેને બ્રેક મારવા નિકાસબંધી લાદી હતી. જેને લઈને ડુંગળીના ભાવ એકાએક ગગડી ગયા છે. એક તરફ ડુંગળીના ભાવ મળતા નથી ઉપરથી સૌરાષ્ટ્રના અનેક યાર્ડમાં વેપારીઓ માલ ઉપાડતા ન હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોમાં ફેલાયેલો તીવ્ર રોષ આજે સપાટી પર આવ્યો હતો. આજે ગોંડલ અને મહુવા પથકના ખેડૂતોએ યાર્ડમાં ડુંગળીના પુરતા ભાવ નહીં મળતા હાઈવે પર ડુંગળીના ઢગલા કરીને ચક્કાજામ કર્યો હતો તો વિસાવદરમાં પણ ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ઠાલવીને રોષ વ્યક્ત કર્યો હતો.
પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર માર્કેટ યાર્ડમાં આજે સવારે ખેડૂતો ડુંગળી લઈને યાર્ડે પહોંચ્યા હતા પરંતુ, વેપારીઓ હરાજીમાં નહીં આવતા ખેડૂતો હાઈવે પર ધસી જઈને હલ્લાબોલ કરી ચક્કાજામ કર્યો હતો. ધમધમતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 2 થી 3 કિ.મી.લાંબી વાહનોની કતાર લાગી ગઈ હતી. ખેડુતોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કર્યા હતા અને યાર્ડના મુખ્ય દરવાજાને બંધ કરીને તેમાં પ્રવેશતા વાહનોને અટકાવીને યાર્ડની ઘેરાબંધી કરી હતી અને યાર્ડમાં અન્ય જીરૂ,કપાસ,ધાણા, લસણ વગેરેની હરાજીને પણ અટકાવી દીધી હતી. આ અંગે પોલીસને જાણ થતા કાફલો અહીં ધસી ગયો હતો. ખેડૂતો નેશનલ હાઈવે સુધી પહોંચી ન જાય તે માટે ગોંડલ માર્કેયાર્ડની બહાર પોલીસે ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામા આવ્યો છે. બપોર સુધીમાં માર્કેટ યાર્ડ સતાધીશો ખેડૂતોના પ્રશ્નોને વાચા નહીં આપે તો ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.
ખેડૂતોની વેદના
ગોંડલ પંથકના ખેડૂતોએ રોષભેર જણાવ્યું કે દેશભરમાં માત્ર કર્ણાટકમાં નિકાસબંધી નથી જે અન્યાયી છે. સરકારની સબસિડી અમારે જોઈતી નથી, અમને અમારી જણસોના પૂરા ભાવ જોઈએ તેમ કહીને નિકાસબંધી નહીં હટાવાય તો ગોંડલ માર્કેટ યાર્ડમાં કોઈ પણ કૃષિપેદાશની હરાજી નહીં થવા દેવા ચિમકી ઉચ્ચારી હતી. જેના પગલે યાર્ડમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.