Kheda News : બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન લાભાર્થીઓને પુનઃ સ્થાપન તથા પુનઃ વસવાટ અંતગર્ત પુરક સહાય ન મળતાં રોષ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે નડિયાદના ભૂમેલ પાસેથી પસાર થતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીક મોટી સંખ્યામાં ખેડૂતોએ સૂત્રોચાર કરી દેખાવ કર્યો હતો.
ચરોતરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સ્થળે હલ્લાબોલ
અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી બુલેટ ગતિએ આગળ વધી રહી છે. ત્યારે આ વચ્ચે ખેડા અને આણંદ જિલ્લાના ખેડૂતોમાં નારાજગી તેમજ રોષ જોવા મળી રહ્યો છે. કારણકે જમીન સંપાદન થયે લાંબો સમય વિતવા છતાં જે લાભો તેમને મળવાના હતા તે લાભો આજ દિન સુધી લાભાર્થીઓને મળ્યા નથી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન લાભાર્થીઓને પુનઃ સ્થાપન તથા પુનઃ વસવાટ અંતગર્ત પુરક સહાય ન મળતાં રોષે ભારાયેલા ખેડૂતોએ ગઈ કાલે ભુમેલ પાસે એકઠા થઇ સૂત્રોચ્ચાર કર્યા હતા.
ખેડૂતોએ કર્યો વિરોધ
વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અને મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થઈ રહી છે. જેમાં ખેડા, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં આ કામગીરી 50 ટકાને ઉપર પહોંચી છે. આવી સ્થિતિ વચ્ચે ચરોતર એટલે કે ખેડા, આણંદ જિલ્લાના ખેડૂતોએ ગઈ કાલે ભુમેલ પાસેના આ પ્રોજેક્ટ નજીક વિરોધ કર્યો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ખેડા, આણંદના ખેડૂતો સાથે અન્યાય થયો છે.
ખેડૂતોએ શું કહ્યું ?
ખેડૂતોનું કહેવું છે કે, જમીન લાભાર્થીઓને પુનઃ સ્થાપના તથા પુનઃ વસવાટ અંતગર્ત મળવાપાત્ર પુરક સહાય આજ દિન સુધી મળી નથી. રાજ્યના અન્ય જિલ્લાઓમાંથીથી આ પ્રોજેક્ટ પસાર થાય છે ત્યાં ખેડૂતોને લાભ મળી ચૂક્યા છે. પરંતુ ખેડા-આણંદના ખેડૂતોને આજદિન સુધી તેનો કોઈ લાભ મળ્યો નથી.
વાયદા પ્રમાણે વળતર નહીં
ખેડા-આણંદના જિલ્લાના ખેડૂતો સાથે અન્યાય થતાં ગઈ કાલે ભુમેલ ગામની સીમમાંથી પસાર થતા આ પ્રોજેક્ટ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ખેડૂતોએ બુલેટ ટ્રેન હાય..હાય.. અને અમને ન્યાય આપોના નારા લગાવ્યા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે, પરિવહનનો ખર્ચ 50 હજાર, પુનઃ સ્થાપન ભથ્થું રૂપિયા 50 હજાર અને પુનઃ વસવાટ ભથ્થુ 43 હજાર 200 મળી માથા દિઠ ખેડૂતોને રૂપિયા 1 લાખ 43 હજાર 200 મળવાપાત્ર રકમ મળી નથી. જેથી આ રકમની ચુકવણી કરવામાં આવે તેવી માંગ ચરોતરના ખેડૂતોએ કરી છે.
અનેક રજૂઆતો કરી
આ મામલે ખેડા સાંસદ અને કેન્દ્રીય સંચર રાજ્યમંત્રી દેવસિંહ ચૌહાણ સહિત કલેકટર, મામલતદાર, ધારાસભ્યને ખેડૂતોએ અનેકવાર રજૂઆતો કરી છે. પરંતુ તેમને મળતા લાભો આજદિન સુધી ન મળતા આજે સૂત્રોચ્ચાર કર્યા છે.
ઉગ્ર આંદોલનની ચીમકી
અન્યાય થયેલા ખેડૂત કનુભાઈ પરમાર જણાવ્યું હતું કે, અમને જમીન સંપાદનના નાણાં મળી ગયા છે. પરંતુ અમને મળવાપાત્ર લાભોની રકમના રૂપિયા આજદિન સુધી ચૂકવ્યા નથી. અમારુ મકાન આ જમીનમાં ગયુ છે, અપંગ બાળકોથી લઈને વિધવાઓને લાભોના નાણાં ન ચૂકવાતા અમારો રોષ છે. અમે અગાઉ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરી હતી. પરંતુ આમ છતા પણ કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. આવનાર દિવસોમાં અમારા આ હક્કો નહી મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.
જમીન સંપાદન કરવા ખેડૂતોને સમજાવ્યા
મનુભાઈ પરમાર નામના ખેડૂતોએ જણાવ્યું હતું કે, બેત્રણ વર્ષ અગાઉ જ્યારે આ પ્રોજેક્ટ શરૂ થયો તે પહેલા ઓફીસરોએ ગામે ગામ મીટીંગો કરી જમીન સંપાદન કરવા ખેડૂતોને સમજાવ્યા હતા. અને વિશ્વાસમા લઈને જે સમયે અપંગ, વિધવા સહાય સહિતના મળતા લાભો આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ આજદિન સુધી આ લાભોથી ખેડૂતોને વંચિત રાખવામાં આવ્યા છે.
ખેડૂતોમાં ભારે રોષ
મહત્વનું છે કે, આગામી લોકસભાની ચૂંટણીમાં આ પ્રોજેક્ટ હેઠળ સરકાર વાહવાહ લૂટશે ત્યારે ખેડૂતો દ્વારા તેમને મળતા લાભોથી વંચિત રાખવાં આવતા ભારે રોષ જોવા મળ્યો છે.