Isudan Gadhvi News: ખેડૂતો સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અને ખેડૂતોની દેવા માફી સહિત 10 અલગ અલગ માંગોને મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કહાનવાડી, આંબલી ચોકડી ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેડૂત મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, વડોદરા શહેર પ્રમુખ અને ઇસ્ટ ઝોન પ્રભારી અશોક ઓઝા, વડોદરા લોકસભા ઇન્ચાર્જ વીરેન રામી, આણંદ લોકસભા પ્રભારી અમરીશ પટેલ અને આણંદ જિલ્લા પ્રમુખ વિજય બારૈયા ઉપસ્થિત રહ્યા હતા. આ ખેડૂત મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ, યુવાઓ, વૃદ્ધો ઉમટી પડ્યા હતા.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે તમે સૌ તમારા કામ મૂકીને આજે અહીંયા આ સભામાં પધાર્યા છો એના માટે હું તમામ ખેડૂતોનો આભાર વ્યક્ત કરું છું. નરેન્દ્ર મોદી જ્યારે પ્રધાનમંત્રી બનવાના હતા ત્યારે કહેતા હતા કે એવી ફસલ બીમા યોજના લાવવી છે કે ખેડૂતે મગફળી ઉતારી લીધી હોય પાથરા પડી ગયા હોય થ્રેસરમાંથી મગફળી કાઢવાની બાકી હોય અને કમોસમી વરસાદ થાય તો પણ પાક વીમો મળશે એવું કહ્યું હતું. શું તમને કોઈને પાક વીમો મળ્યો છે? પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માત્ર ગુજરાતમાં જ બંધ છે બાકી અન્ય રાજ્યોમાં ચાલુ છે. બીજું કહ્યું હતું કે મુખ્યમંત્રી રાહત નીતિ ફંડ લાવવામાં આવશે. એવું પણ કહ્યું હતું કે 2022માં ખેડૂતોની આવક ડબલ કરીશું. શું કોઈ ખેડૂતોની આવક ડબલ થઈ છે? પરંતુ જાવક ડબલ કરી નાખી છે. ભાજપે મારા ખેડૂતોને, મજૂરોને, ભાગીયાને રોડ ઉપર લાવી દીધા છે એટલા માટે મારે ભાજપનો વિરોધ કરવો પડે છે. ભાજપના રાજમાં માત્ર ભાજપના 20,000 પદાધિકારીઓનો જ વિકાસ થયો છે. ભાજપ ખેડૂત વિરોધી કેમ છે એના હું પુરાવા આપવા માંગુ છું. જ્યાં પણ નજર કરશો ત્યાં ભાજપના નેતાઓ અને તેમના દીકરાઓ હોટલ, ફાર્મ હાઉસ ખરીદી રહ્યા છે. ભાજપમાં હવે આપણા જ્ઞાતિના નેતાઓ નથી રહ્યા પરંતુ ભાજપના દલાલો લાભાર્થીઓ રહ્યા છે.
વધુમાં પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ કહ્યું હતું કે, ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે એ ભાજપના મળતીયાઓ કરે છે. એ જ ભાજપનો નેતા બધી જ જગ્યાએથી ટેકાના ભાવે મગફળી ખરીદશે. એ ભાજપનો નેતા માત્ર એક મહિનામાં દોઢથી બે કરોડની કમાણી કરશે. ટેકાના ભાવે મગફળી ખરીદવાનું નાટક કરવામાં આવે છે અને એ જ મગફળી ભાજપના નેતાઓના ઘર ભરવા માટેના ખેલ છે.એ જ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તો 250 મણના 90,000 રૂપિયા થાય. એ મગફળી ભાજપનો નેતા રૂ.1452 માં ખરીદી કરશે પછી મગફળી ગોડાઉનમાં જશે ગોડાઉનનું ભાડું ભાજપની સરકાર આપશે પછી એ ગોડાઉનમાં આગ લગાડવામાં આવશે પછી એવું કહેશે કે મગફળી બળી ગઈ છે આ બધાથી ખેડૂતને ₹1,00,000 આપવા પાત્ર છે. આપણી સરકાર આવશે તો આ ટેકાના ભાવ માટેની લાઇન લગાડવાની બંધ થઈ જશે. જે પણ ખેડૂત કહે છે કે મારે આટલી મગફળી થઈ છે ત્યાંનો તલાટી ગ્રામ સેવક એ લિસ્ટ આપી દેશે ડાયરેક્ટ તમારા ખાતામાં એક લાખ રૂપિયા આવી જશે. અત્યારે ભાજપ પાસે કાર્યકર્તાઓ અને નેતાઓ નથી અત્યારે તેમની પાસે લાભાર્થીઓની ગેંગ છે. ભાજપમાં રહેલા તમામ લોકોને મલાઈ જોઈએ છે એ મલાઈ ખાવા માટે આ ટેકાના નાટકો ચાલે છે.
આ પણ વાંચો: જે અધિકારી ગળામાં પટ્ટા પહેરીને હર્ષ સંઘવીના ટોમી બન્યા છે, એમના પટ્ટા ઉતરશે: Gopal Italia