Jammu kashmir: જમ્મુ ક્ષેત્રના કિશ્તવાડમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષા કોર્ડનમાં બેથી ત્રણ આતંકીઓ ફસાયેલા છે. બંને તરફથી ભારે ગોળીબાર ચાલુ છે. આ ઓપરેશન ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરક્ષા દળોની ટીમો જમ્મુ ક્ષેત્રના જુદા જુદા વિસ્તારોમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહી છે. ખાસ કરીને પહાડો અને ગાઢ જંગલોમાં આતંકીઓની શોધ કરવામાં આવી રહી છે.
આ સંદર્ભમાં સુરક્ષા દળોને કિશ્તવાડના દુગ્ગાડા જંગલમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જેના પર ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોની સંયુક્ત ટીમે ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન કોર્ડન વધુ કડક થતું જોઈને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીથી એન્કાઉન્ટર શરૂ થયું છે.
આ પહેલા બુધવારે કઠુઆ જિલ્લાના ખંડારા વિસ્તારમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ બંને આતંકી જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાન્ડર હતા. તેમની પાસેથી એમ-4 અને એકે શ્રેણીની રાઈફલ્સ, દારૂગોળો અને ખાદ્યપદાર્થો મળી આવ્યા હતા. આ સંવેદનશીલ વિસ્તારમાં આતંકવાદીઓનો ખાત્મો એ સુરક્ષા દળો માટે મોટી સફળતા છે.
આતંકીઓ પાસેથી ઘાતક હથિયારો મળી આવ્યા છે
જમ્મુ અને કાશ્મીર પોલીસના ડીજીપી આરઆર સ્વૈને જૈશ-એ-મોહમ્મદના બે ટોચના કમાન્ડરોને ખતમ કરવા પર સુરક્ષા દળોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે સૈનિકોએ બે વિદેશી આતંકવાદીઓને સફળતાપૂર્વક ઠાર માર્યા હતા. આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. તેમાં NVD અને દૂરબીનથી સજ્જ એમ-સિરીઝ રાઈફલ્સ પણ છે.
કુપવાડામાંથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો
બુધવારના રોજ, સુરક્ષા દળોએ કુપવાડામાં એલઓસી નજીક કેરન સેક્ટરમાંથી શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યો હતો. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે કહ્યું કે ગુપ્ત માહિતીના આધારે કેરન સેક્ટરમાં સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વિસ્તારની તપાસ દરમિયાન મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. તેમાં એકે 47 કારતૂસ, હેન્ડ ગ્રેનેડ, આઈઈડી બનાવવામાં વપરાતી સામગ્રી અને અન્ય વસ્તુઓ છે.
આ પણ વાંચો: Iranમાં સેનાના વાહન પર આતંકી હુમલો, બે સૈનિકો અને એક અધિકારીનું મોત