દેશભરમાં સ્વચ્છતા પખવાડિયું ચાલી રહ્યું છે. વડાપ્રધાનની અપીલ પર દેશભરમાં નેતાઓ જાહેર સ્થળો પર સાફ સફાઈ કરી રહ્યાં છે. આ સ્વચ્છતા અભિયાને રાજ્યમાં દારૂબંધીની પોલ ખોલી દીધી છે. જામનગરમાં સાફ સફાઈ દરમિયાન દારૂની ખાલી બોટલો મળી આવી હતી.
આમ આદમી પાર્ટી દ્વારા આજે ગાંધી જયંતી નિમિત્તે જામનગર એસટી ડેપો ખાતે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. સફાઈ અભિયાનમાં એસટી ડેપોમાં આરામ ગૃહ પાસે ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો મળી આવી. AAP ના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ અને તેની ટીમ દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો જાહેર કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદીના આહ્વાનથી દેશભરમાં સ્વચ્છતા પખવાડિયુ મનાવવામાં આવી રહ્યું છે. ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી સહિત દિગ્ગજ નેતાઓએ એક કલાક શ્રમયજ્ઞ કર્યો હતો. આજે આમ આદમી પાર્ટીએ ગાંધી જયંતિના દિવસે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું અને સાથે જ ગુજરાતમાં દારૂબંધીની પોલ ખોલી સરકારને ઘેરી હતી.