Election Results : મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગણામાં આજે મતગણતરી ચાલી રહી છે. મધ્યપ્રદેશ સાથે-સાથે રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ સરકાર બની રહી છે અને તે સિવાય તેલંગણામાં કોંગ્રેસ આગળ છે. ચૂંટણીના વલણો પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે, મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર હશે. જ્યારે કોંગ્રેસે રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તા ગુમાવી છે પણ તેલંગણામાં સત્તા મેળવી છે. અહીં KCR જીતની હેટ્રીલ લગાવી શક્યા નહી. ત્રણ રાજ્યોમાં જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ હેડક્વાર્ટર પહોંચી ઉજવણી કરી કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં હતા.
આજની જીત ઐતિહાસિક છે..!
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું, ભારત માતા કી જય. તે બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અવાજ તેલંગણા સુધી જવો જોઈએ. પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજની જીત ઐતિહાસિક છે. ‘સૌનો સાથ સૌનો વિકાસ’ની ભાવનાની જીત થઈ છે. ‘વિકસિત ભારત’નો અવાજ જીત્યો છે. ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પની જીત થઈ છે.
આજે ગરીબ જીત્યો છે…
પોતાના સંબોધન દરમિયાન PM મોદીએ કહ્યું કે, આજે દરેક ગરીબ કહી રહ્યો છે – તે પોતે જીત્યો છે. આજે, દરેક વંચિત વ્યક્તિના મનમાં એક લાગણી છે – તે પોતે જીતી ગયો છે. આજે દરેક ખેડૂત એક જ વાત વિચારી રહ્યો છે – તે પોતે જીતશે. આજે દરેક આદિવાસી ભાઈ-બહેન એ વિચારીને ખુશ છે કે તેઓ પોતે જીત્યા છે. આજે પહેલીવાર મતદાન કરનાર યુવા ગર્વથી કહી રહ્યા છે કે તેઓ પોતે જીત્યા છે. આ જીતમાં દરેક મહિલા પોતાની જીત જોઈ રહી છે. આ જીતમાં સારા ભવિષ્યનું સપનું જોનારા દરેક યુવાનો પોતાની જીત જોઈ રહ્યા છે. 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે જોવા માંગતો દરેક નાગરિક તેને સફળ માની રહ્યો છે.
2024 માં જીતની હેટ્રિક
તેમણે કહ્યું, આજે દેશના યુવાનોમાં આત્મવિશ્વાસ સતત વધી રહ્યો છે કે માત્ર ભાજપ જ તેમની આકાંક્ષાઓને સમજે છે અને તેમના માટે કામ કરે છે. દેશના યુવાનો જાણે છે કે ભાજપ સરકાર યુવા ફ્રેન્ડલી છે અને યુવાનો માટે નવી તકો ઊભી કરવા જઈ રહી છે. કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે આજની જીત 2024ની હેટ્રિકની પણ ખાતરી આપી છે. જો પાર્ટી 2024માં જીતશે તો કેન્દ્રમાં ભાજપ માટે તે હેટ્રિક હશે.
JP Nadda ની પ્રશંસા
PM મોદીએ પોતાના સંબોધન દરમિયાન JP Nadda ની પણ પ્રશંસા કરતા કહ્યું, આ જીત પણ આપણાં રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજીએ જે રીતે તેમની નીતિ અને વ્યૂહરચના લાગુ કરી તેનું પરિણામ છે. ચૂંટણી દરમિયાન તેમના પરિવારમાં એક દુ:ખદ ઘટના બની, પરંતુ તેમ છતાં નડ્ડા જી ભાજપના કાર્યકર તરીકે દિવસ-રાત અડગ રહ્યા.
તેલંગાણાની જનતાને મેસેજ
પીએમ મોદીએ કહ્યું કે, હું તેલંગાણાના લોકો અને તેલંગાણાના ભાજપના કાર્યકર્તાઓનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. તેલંગાણામાં દરેક ચૂંટણીમાં ભાજપનો ગ્રાફ સતત વધી રહ્યો છે. હું તેલંગાણાના લોકોને ખાતરી આપું છું કે ભાજપ તમારી સેવામાં કોઈ કસર છોડશે નહીં.
વિપક્ષી ગઢબંધન પર પ્રહાર
તેમણે કહ્યું, આ ચૂંટણીના પરિણામો કોંગ્રેસ અને તેના ઘમંડી ગઠબંધન માટે પણ એક મોટો બોધપાઠ છે. બોધપાઠ એ છે કે માત્ર પરિવારના કેટલાક સભ્યો સ્ટેજ પર ભેગા થઈને દેશનો વિશ્વાસ જીતી શકતા નથી. દેશની જનતાના દિલ જીતવા માટે જે રાષ્ટ્ર સેવાની ભાવના હોવી જોઈએ જે ભાવના ઘમંડી ગઠબંધનમાં નથી. આજના પરિણામો આવા પક્ષો માટે બોધપાઠ છે કે તેમણે કેન્દ્ર સરકારની ગરીબ કલ્યાણ યોજનાઓ અને તેમના માટે મોકલવામાં આવતા ભંડોળ વચ્ચે આવવું જોઈએ નહીં. નહીં તો જનતા તમને કાઢી નાખશે.
કોંગ્રેસના સલાહ
પોતાના સંબોધન દરમિયાન PM Modi એ કહ્યું કે, લોકશાહીના હિતમાં કોંગ્રેસ અને તેના સહયોગીઓને મારી એક વધુ સલાહ છે. મહેરબાની કરીને એવી રાજનીતિ ન કરો જે દેશ વિરોધી હોય, જે દેશના ભાગલા પાડવાનું અને દેશને નબળું પાડવાનું કામ કરે.
કાર્યકર્તાઓને અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકર્તાઓને અપીલ કરતા કહ્યું કે, દરેક ભાજપ કાર્યકર્તાએ નમો એપ પર જઈને ઓછામાં ઓછા 10 લોકોને વિકસિત ભારતના એમ્બેસેડર બનાવો. આજે આપણે એવી પેઢી તૈયાર કરવાની છે જેનું સ્વપ્ન વિકસિત ભારત છે, જેનો સંકલ્પ વિકસિત ભારત છે.
મોદીની ગેરંટી (Modi Ki Guarantee)
સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મોદીની ગેરંટીવાળી ગાડી દેશની સફળતાની ગેરંટી બનશે. આ પણ મોદીની ગેરંટી છે. તમારે વધુ એક વાત યાદ રાખવાની છે. જ્યા બીજા લોકોની આશા પૂર્ણ થઈ જાય છે ત્યાંથી મોદીની ગેરંટી શરૂ થાય છે.
કાર્યકર્તાઓની જવાબદારી વધી
વડાપ્રધાને કહ્યું, ‘ભાજપ કાર્યકર્તાઓ પર જવાબદારી વધી ગઈ છે. કારણ કે નકારાત્મક શક્તિઓ હવે વધુ સક્રિય થશે. સમાજમાં ખાઈ સર્જનારાઓ હવે નવી તકો શોધશે. આપણે તેમની સાથે પણ સ્પર્ધા કરવી પડશે અને તેને પણ જવાબ આપવો પડશે.
આ પણ વાંચો : ત્રણ રાજ્યોમાં જીત પર જનતા જનાર્દનને મોદીના નમન, તેલંગાણા માટે કહી આ વાત