Loksabha Election: ચૂંટણી પંચે 2024ની લોકસભા ચૂંટણીને બદનામ કરવાના પ્રયાસોનો સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો છે. રવિવારે કમિશને એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે માનવજાતના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ચૂંટણીને બદનામ કરવા માટે ખોટુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પંચનું આ નિવેદન કોંગ્રેસ પાર્ટી દ્વારા કરાયેલા તાજેતરના દાવાઓ બાદ આવ્યું છે, જેમાં કોંગ્રેસે અંતિમ મતદાન ટકાવારીમાં ગોટાળાની આશંકા વ્યક્ત કરી હતી.
ચૂંટણી પંચે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે ચૂંટણીના દરેક તબક્કે ઉમેદવારો અને હિતધારકો સાથે પારદર્શિતા જાળવવામાં આવી હતી. આમ છતાં મતદાનના આંકડાઓને પાયાવિહોણા દર્શાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જે તદ્દન ખોટું છે. કમિશને એ પણ સ્પષ્ટ કર્યું કે તમામ ચૂંટણી પ્રક્રિયાઓ સૌથી પારદર્શક રીતે હાથ ધરવામાં આવી છે અને તેમાં કોઈપણ પ્રકારની હેરાફેરીની શક્યતા નથી.
નોંધનીય છે કે કોંગ્રેસે શનિવારે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણી (Loksabha Election)માં પ્રારંભિક આંકડાઓની સરખામણીમાં અંતિમ મતદાન ટકાવારીમાં વધારો જોવા મળ્યો છે. પાર્ટીએ આ વધારાને ધાંધલ ધમાલની નિશાની ગણાવી અને ચૂંટણી પંચ પાસે તપાસની માંગ કરી. કોંગ્રેસ (Congress )ના નેતા સંદીપ દીક્ષિતે દાવો કર્યો હતો કે આ વધારો સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાજપે ચૂંટણી પરિણામોમાં છેડછાડ કરી છે. ‘વોટ ફોર ડેમોક્રેસી’ નામની સંસ્થાના રિપોર્ટને ટાંકીને તેમણે કહ્યું કે રિપોર્ટમાં વોટિંગના પ્રારંભિક અને અંતિમ આંકડા વચ્ચે મોટા તફાવતની વાત કરવામાં આવી છે.
દીક્ષિતે એવો પણ આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સ્તરે, ખાસ કરીને આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં મતદાનની ટકાવારીમાં અભૂતપૂર્વ વધારો થયો છે. તેને ભાજપ અને તેના ગઠબંધનના સારા પ્રદર્શન સાથે જોડીને તેમણે ચૂંટણી પરિણામો પર સવાલો ઉઠાવ્યા છે. ચૂંટણી પંચે આ આરોપોને સખ્તપણે નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને ન્યાયી હતી અને તેમાં કોઈપણ પ્રકારની હેરાફેરીનો કોઈ પુરાવો નથી.
આ પણ વાંચો: Hamas: યુદ્ધ થયું તો ઈરાન-ઈઝરાયેલ નહીં… આ લોકો પણ હશે આમને સામને