Dwarka: ગુજરાતમાં વરસાદે માજા મૂકી છે. હવામાન વિભાગે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એક્શનમોડમાં છે. ત્યારે દ્રારકામાં પણ ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. એક તરફ રાજ્યભરમાં ધામધૂમ પૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ આજે ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી તા. 28 સુધીના દિવસોમાં ગમે ત્યારે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવતા દેવભૂમિ દ્વારકા ખાતે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
ભારે વરસાદની આગાહી
હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યમાં તા. 28 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જે અન્વયે રાહત અને બચાવની કામગીરી સમયસર થઇ શકે તે હેતુથી સરકારશ્રી દ્વારા એનડીઆરએફ ટીમ – 1 દેવભૂમિ દ્વારકા જિલ્લાને ડીપ્લોય કરવામાં આવેલ છે. આ ટીમ રાહત અને બચાવની કામગીરીને અનુરૂપ તમામ સંસાધનો સાથે એનડીઆરએફની ટીમને જિલ્લા ક્લેક્ટરશ્રી જી.ટી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ દ્વારકા ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે.
નોંધનીય છે કે હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને રાજ્યમાં આગામી દિવસોમાં અતિ ભારે વરસાદ તથા વીજ ગર્જનાને પરિણામે સર્જાનાર પરિસ્થિતિને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે રાજ્યના નાગરિકોને નીચે મુજબના પગલા લેવા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ-ગાંધીનગર દ્વારા અનુરોધ કરાયો છે.