Dwarka સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ખેંચને પગલે ખેડૂતોની મુશ્કેલી વચ્ચે સમગ્ર વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ હવે તેજ બની છે. દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા સરકાર સામે વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા છ અઠવાડિયાથી વરસાદનો છાંટો પણ પડ્યો ન હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે.
કોંગ્રેસ દ્વારા એકસાથે અલગ-અલગ 50 સ્થળોએ ખેતરમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારને સદબુદ્ધિ મળે અને ખેડૂતોની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ આવે તે માટે યજ્ઞ યોજાયો હતો. આ દરમિયાન સુકાયેલી ખેત પેદાશ યજ્ઞમાં હોમીને કોંગ્રેસે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.
ચાર જિલ્લામાં વરસાદની ભારે ઘટનો દાવો
કોંગ્રેસના જણાવ્યા મુજબ, દ્વારકા જિલ્લામાં 94 ટકા, પોરબંદરમાં 83 ટકા જ્યારે જામનગર અને કચ્છ જિલ્લામાં 29-29 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. વરસાદના અભાવે ખેતી પર ગંભીર અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખેડૂતો માટે રાહત પેકેજની માંગ
કોંગ્રેસે સરકાર સમક્ષ તાત્કાલિક ઘાસચારા વિતરણ કેન્દ્રો શરૂ કરવાની માંગ કરી છે. સાથે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવા અને સૌની યોજનાના માધ્યમથી સૌરાષ્ટ્રના ડેમો તાત્કાલિક ભરવાની પણ માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત ખેડૂતો અને ખેતમજૂરોને રોજગારી મળી રહે તે માટે તાત્કાલિક રાહતકામો શરૂ કરવા તથા સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને રાહત આપવાની કોંગ્રેસે સરકાર સમક્ષ માંગ ઉઠાવી છે.
આ પણ વાંચો : Bhavnagar લઠ્ઠાકાંડમાં કેસમાં SMCની મોટી કાર્યવાહી, પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલની ધરપકડ