Delhi Police ના News Click ના પત્રકારોના ઘર પર દરોડા, જાણો શું છે મામલો

News Click અને તેની સાથે જોડાયેલા કેટલાક પત્રકારો અને કર્મચારીઓના ઘર પર દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા દરોડા

October 3, 2023

આજરોજ વહેલી સવારે દિલ્હી પોલીસે કેટલાંક પત્રકારો, સ્ટેન્ડ-અપ કોમિક્સ, વ્યંગકારો અને ટીકાકારોના ઘરો પર દરોડા પાડ્યા હતા. દિલ્હી પોલીસે કઠોર ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ એટલે કે UAPA કેસ અંતર્ગત પૂછપરછ કરી હતી. ડિજિટલ ન્યૂઝ પોર્ટલ News Click અને તેની સાથે જોડાયેલા કેટલાક પત્રકારો અને કર્મચારીઓના ઘર પર દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

શું છે મામલો?

ઉલ્લેખનીય છે કે, EDએ અગાઉ ન્યૂઝ ક્લિકના ફંડિંગને લઈને દરોડા પાડ્યા હતા. જો કે તેમાથી જે માહિતીઓ બહાર આવી હતી તેને આધારે સ્પેશિયલ સેલની ટીમ દ્વારા આજરોજ પત્રકારો પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં અભિસાર શર્મા, વરિષ્ઠ પત્રકાર ભાષા સિંહ, પીઢ પત્રકાર ઉર્મિલેશ, ન્યૂઝક્લિકના સંપાદક પ્રબીર પુરકાયસ્થ અને લેખક ગીતા હરિહરન, જાણીતા પત્રકાર અને રાજકીય પર ટીકાકાર. ઇકોનોમી ઔનિન્દ્યો ચક્રવર્તી, કાર્યકર અને ઇતિહાસકાર સોહેલ હાશ્મી અને વ્યંગકાર અને સ્ટેન્ડ-અપ કોમિક સંજય રાજૌરાનું નામ સામેલ છે.

પત્રકારોએ ટ્વીટ કરી આપી જાણકારી

સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ દરોડામાં તમામ પત્રકારો અને કર્મચારીઓના ઘરની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી અને તપાસ કામગીરીમાં લેપટોપ, હાર્ડ ડિસ્ક તેમજ મોબાઈલ જેવા ઉપકરણો પણ જપ્ત કર્યા છે. જે અંગે પત્રકારોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વીટ કરીને માહિતી આપી હતી. પત્રકાર અભિષાર શર્માએ ટ્વીટ કર્યુ હતુ કે, “દિલ્હી પોલીસ મારા ઘરે ઉતરી. મારું લેપટોપ અને ફોન છીનવી લીધો”.

તો ભાષા સિંઘે તેના મોબાઈલ જપ્ત થવાના પહેલા મોબાઈલમાંથી છેલ્લી ટ્વીટ કરતા લખ્યુ કે, “છેલ્લે આ ફોન પરથી છેલ્લું ટ્વિટ. દિલ્હી પોલીસે મારો ફોન જપ્ત કર્યો”.

લેખકની પૂછપરછ

આ ઉપરાંત એવુ પણ જાણવા મળ્યુ છે કે, દિલ્હી સાયન્સ ફોરમ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક અને લેખક ડી. રઘુનંદનની પોલીસ દ્વારા પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. સાથે જ સુત્રોએ જણાવ્યુ કે, રાજૌરાને પોલીસ સ્પેશિયલ સેલ, લોધી રોડ પર લઈ ગઈ છે. પોલીસે કહ્યું કે તેઓ તેને પૂછપરછ માટે લઈ જઈ રહ્યા હતા પરંતુ ધરપકડ કરી ન હતી. પોલીસે કહ્યું છે કે તેઓ રાજૌરાની તાત્કાલિક ધરપકડ કરી રહ્યા નથી પરંતુ માત્ર તેની પૂછપરછ કરી રહ્યા છે. જેને લઈને અભિનંદન શેખરીએ ટ્વીટ કર્યુ કે, “દિલ્હી પોલીસ હાસ્યલેખક અને વ્યંગકાર સંજય રાજૌરાના ઘરે આવી. તપાસ માટે બળજબરીથી તેનો ફોન અને લેપ ટોપ લઈ લીધો”.

શું છે દાવો?

ધ વાયરના અહેવાલ મુજબ બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ લોકસભામાં અહેવાલને ટાંકીને દાવો કર્યો હતો કે કોંગ્રેસના નેતાઓ અને ન્યૂઝક્લિકને ‘ભારત વિરોધી’ વાતાવરણ બનાવવા માટે ચીન પાસેથી ભંડોળ મળ્યું હતું. તો બીજી તરફ પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયાએ આ સમગ્ર દરોડાની ઘટનાની નોંધ લઈને ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યુ છે કે, કે તે આ અંગે વિગતવાર નિવેદન જાહેર કરશે.

ચોથી જાગીર પર તરાપ

પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયા Newsclick સાથે સંકળાયેલા પત્રકારો અને લેખકોના ઘરો પર કરાયેલા બહુવિધ દરોડા અંગે ખૂબ જ ચિંતિત છે. મહત્વનું છે કે પત્રકારોને લોકતંત્રની ચોથી જાગીર કહેવામાં આવે છે. અને વિશ્વ પ્રેસ સ્વતંત્રતાની યાદીમાં ભારત ખૂબ ઝડપથી અને મોટી સંખ્યામાં નીચે આવી રહ્યું છે. પ્રેસ ફ્રીડમના સંબંધમાં G20 દેશોમાં ભારત સૌથી નીચા ક્રમમાં છે.

ચીનની સંડોવણી

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021 માં, દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ ન્યૂઝ ક્લિક દ્વારા પ્રાપ્ત ગેરકાયદેસર ભંડોળ અંગેનો કેસ દાખલ કરનાર પ્રથમ વ્યક્તિ હતી. ન્યૂઝ ક્લિકને ચીનની કંપનીઓ દ્વારા આ શંકાસ્પદ ભંડોળ મળ્યું હતું. આ પછી EDએ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. જોકે, હાઈકોર્ટે તે સમયે ન્યૂઝ ક્લિકના પ્રમોટર્સને ધરપકડમાંથી રાહત આપી હતી. હવે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ નવો કેસ નોંધીને ન્યૂઝ ક્લિક અને તેની સાથે જોડાયેલા પત્રકારો પર દરોડા પાડી તપાસ શરૂ કરી છે.

Read More

Trending Video