Dahod Case : ગુજરાતમાં અત્યારે દાહોદ કેસ સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો છે. પહેલા તો આ સમગ્ર મામલે એવું જ હતું કે બાળકીની હત્યા કરવામાં આવી છે. જે બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી અને પોલીસે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગામલોકો અને પરિવારજનોને આ મામલે પૂછપરછ કરતા અનેક નવા ખુલાસાઓ થયા છે.
દાહોદ કેસ (Dahod Case)ના કારણે આજે સરકાર ઉપર સવાલો ઉઠ્યા છે. દાહોદના સીંગવડમાં છ વર્ષની માસુમ બાળકીના કથિત બળાત્કાર અને હત્યાનો કેસ (Dahod Case) ઉકેલવા માટે દાહોદ પોલીસે (Dahod Police) અલગ વ્યૂહરચના અપનાવીને ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી લીધી છે. જે બાદ સમગ્ર ગુજરાતમાં આ કેસ ચર્ચાનો વિષય બન્યું છે. કે જે શાળામાં બાળકી ભણતી હતી. તેના જ આચાર્ચની ધરપકડ એ બાળકીના હત્યાના આરોપ હેઠળ કરવામાં આવી છે. દાહોદ પોલીસે આ મામલામાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (1) મુજબ ગુનો નોંધીને તપાસ ધરી છે. હાલમાં પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે, જે બાદ આરોપી સામેની ફરિયાદમાં બીજી કલમો ઉમેરવામાં આવશે.
પોલીસના જણાવ્યા અનુસાર, “આચાર્યએ બાળકીને પોતાની કારમાં બેસાડ્યાં બાદ શારીરિક અડપલાં કરતાં તે બૂમો પાડવા લાગી હતી. બાળકીને બૂમો પાડતી અટકાવવા માટે તેમણે તેનું મોં દબાવી દીધું હતું. જેના કારણે તેનો શ્વાસ રૂંધાવાને કારણે તે મૃત્યુ પામી હતી.”
શું છે સમગ્ર મામલો ?
દાહોદના લિમખેડા તાલુકાના એક ગામમાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી ગુરૂવાર 19 સપ્ટેમ્બરે ગુમ થઈ ગઈ હતી. છોકરી શાળાએ ગઈ હતી, પરંતુ મોડી સાંજ સુધી પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ શરુ કરી હતી. તેના પરિવારજનો બાળકીને શોધતાં શોધતાં શાળામાં પહોંચ્યા ત્યારે તે શાળાના ઓરડાઓ અને કંપાઉન્ડની દિવાલની વચ્ચે બેભાન અવસ્થામાં મળી આવી હતી. પરિવારના સભ્યો બાળકીને લિમખેડા સરકારી હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી.
દાહોદ પોલીસે ફરિયાદ નોંધીને મામલાની તપાસ શરૂ કરી હતી. તપાસમાં ફોરેન્સિક ટીમ, ફિંગરપ્રિન્ટ ઍક્સ્પર્ટ ટીમ અને ડૉગ સ્કવોડની મદદ લેવામાં આવી હતી. પરંતુ કોઈ મહત્ત્વની કડી મળી નહોતી. અંતે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) અને સ્પેશયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી) સહિત 10 ટીમ બનાવીને તેમને કેસની તપાસ સોંપવામાં આવી હતી. સમગ્ર મામલે તપાસ દરમિયાન પોલીસને એક એવી માહિતી મળી જેનાથી સમગ્ર ભેદ થોડા જ સમયમાં ઉકેલાઈ જવાનો હતો. પોલીસને જાણ થઈ કે બાળકી છેલ્લે શાળાના આચાર્ચ સાથે જોવા મળી હતી. અને આચાર્ય સાથે પૂછતાછ કરતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો.
દાહોદ પોલીસે તપાસને લઈને શું કહ્યું ?
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકએ જણાવ્યું, ”અમે બાળકીના ગામમાં પૂછપરછ કરી તો ગામલોકોએ જણાવ્યું કે ગુરૂવારે સવારે 10:30 વાગ્યે બાળકીની માતાએ આચાર્ય શાળાએ જતા હોવાથી તેમની કારમાં તેમની દીકરીને બેસાડી હતી.”
પોલીસે જ્યારે શાળાના આચાર્ય ગોવિંદભાઈ નટની પૂછપરછ કરી ત્યારે તેમણે જણાવ્યું કે, ”હું બાળકીને શાળાએ લઈ ગયો હતો. મારી ગાડીમાંથી ઊતરીને બાળકી કઈ જગ્યાએ ગઈ તે વિશે મને કોઈ માહિતી નથી. હું મારું કામ પતાવીને ઘરે આવી ગયો હતો.” આચાર્યએ પોલીસને એ પણ જણાવ્યું કે તેમને બાળકીના ગુમ થવાની જાણ વર્ગ શિક્ષક મારફતે થઈ હતી. પોલીસે આચાર્યને અન્ય સવાલો કર્યા હતા, પરંતુ તેના સંતોષકારક જવાબ નહીં મળતા પોલીસની શંકા દૃઢ બની હતી.
આ મામલે પોલીસે વિદ્યાર્થીઓ સાથે મિત્રતા કેળવી શાંતિથી પૂછપરછ કરતા વિદ્યાર્થીઓએ પોલીસને જણાવ્યું કે, ગુરૂવારે બાળકી શાળામાં આવી જ નહોતી. તે પ્રાર્થના સમયે દેખાઈ નહોતી અને જ્યારે મધ્યાહ્ન ભોજન આપવામાં આવ્યું ત્યારે પણ તે જોવા મળી નહોતી.પોલીસે શાળાના શિક્ષકો અને અન્ય સ્ટાફની પણ પૂછપરછ કરી તેમાં પણ આ જ વાત સામે આવી હતી.
દાહોદ પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા કહે છે, શાળાના એક વિદ્યાર્થીએ જણાવ્યું કે શાળા છૂટ્યા બાદ તેણે બાળકીને આચાર્યની ગાડીમાં ઊંઘેલી અવસ્થામાં જોઈ હતી. અમારા માટે આ એક બહુ મહત્ત્વની કડી હતી. અમે આચાર્ય ગોવિંદ નટના મોબાઈલ ફોનનું ટેકનિકલ ઍનાલિસિસ કર્યું હતું. જેમાં સામે આવ્યું હતું કે ઘટનાના દિવસે બાળકીને જે જગ્યાએથી કારમાં બેસી હતી, ત્યાંથી શાળાએ જવામાં જેટલો સમય લાગે છે તેના કરતાં વધારે સમય લાગ્યો હતો. અમે તેમના ફોન રૅકોર્ડ પણ ચેક કર્યા હતા. અમે આચાર્યની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં તેમણે ગુનો કબૂલી લીધો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર આચાર્યએ બાળકીને પોતાની કારમાં બેસાડ્યાં બાદ શારીરિક અડપલાં કરતાં તે બૂમો પાડવા લાગી હતી. બાળકીને બૂમો પાડતી અટકાવવા માટે તેમણે તેનું મોં દબાવી દીધું હતું. જેના કારણે તેનો શ્વાસ રૂંધાવાને કારણે તે મૃત્યુ પામી હતી. રાજદીપસિંહ ઝાલા કહે છે, બાળકીની હત્યા કર્યા બાદ આચાર્ય ગોવિંદ નટે તેનો મૃતદેહ પાછળની સીટમાં મૂકી દીધો હતો. તેઓ શાળાએ ગયા હતા અને પોતાના રોજિંદા કામમાં લાગી ગયા હતા. સાંજે બાળકીના મૃતદેહને શાળાના ઓરડા અને કંપાઉન્ડની દિવાલ વચ્ચે મૂકી દીધો હતો. તેના ચંપલ અને સ્કૂલબૅગ તેના વર્ગખંડની બહાર મૂકી દીધાં હતા.