ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર પૂરેપૂરો જામ્યો છે. બીજી તરફ વાવાઝોડા ‘તેજ’નું સંકટ આવવાની શક્યતા સેવાઈ રહી છે, જોકે અમદાવાદ માટે તો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી હવામાન સૂકું રહેવાની આગાહી કરી હોઈ ખેલૈયાઓના નવરાત્રીના રંગમમાં ભંગ પડવાનો નથી. જોકે ગુજરાતના માથે તોળાઈ રહેલા વાવાઝોડાના સંકટને જોતાં હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે.
ગુજરાતના બંદરો પર 1 નંબરના સિગ્નલ લગાવાયા
ગુજરાત પર સંભવિત વાવાઝોડાનો ખતરો હોવાથી દરિયાકાંઠે બંદરો પર એક નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. ગુજરાતના પોરબંદર, વેરાવળ, ઓખા, નવલખી, બેડી, સિક્કા બંદર પર 1 નંબરના સિગ્ન લગાવાયા છે. આપને જણાવી દઈએ કે, હાલ સંભવિત વાવાઝોડાનો રૂટ ઓમાન તરફ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ‘તેજ’ ચક્રવાતી તોફાન રવિવાર સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે અને દક્ષિણમાં ઓમાન અને યમનના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. જોકે, હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે આ વાવાઝોડું પણ અગાઉના ચક્રવાતી તોફાન બિપરજોયની જેમ પોતાનો માર્ગ બદલી શકે છે.
યમન-ઓમાનના દરિયાકાંઠે ટકરાશે
બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાનું હતું પરંતુ તે તેની દિશા બદલીને ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચીના કિનારે ટકરાયું હતું. અત્યાર સુધી એવા સંકેતો મળી રહ્યા છે કે ચક્રવાતી તોફાન યમન-ઓમાનના દરિયાકાંઠે જ ટકરાશે.